કોરોનાના રોગચાળા વચ્ચે પણ ફિનલેન્ડે વિશ્વના સૌથી ખુશહાલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. યુએનના અહેવાલ મુજબ સતત ચોથા વર્ષે તેણે ખુશહાલ દેશનો દરજ્જો જાળવી રાખ્યો છે. ગેલઅપ દ્વારા સતત 9મા વર્ષે આ યાદી જાહેર કરાઈ હતી જેમાં 149 દેશોની સામાજિક સપોર્ટ, વ્યક્તિગત સ્વતંત્રતા, ભ્રષ્ટાચારનું પ્રમાણ જેવાં પરિબળોને આવરી લઈને દરેક દેશને હેપીનેસનું રેટિંગ આપવામાં આવ્યું હતું. વર્લ્ડ હેપીનેસ દેશોની 149 ક્ધટ્રીની આ યાદીમાં ભારતનો નંબર 139મો આવે છે. ફિનલેન્ડનું જીવનધોરણ અને ગુણવત્તા ઉચ્ચતમ જણાયાં હતાં. આ ઉપરાંત સુરક્ષા તેમજ પબ્લિક સર્વિસમાં તેને ઊંચું રેટિંગ મળ્યું હતું. રિપોર્ટમાં ખાસ કરીને ત્રણ માપદંડો લોકોનું જીવનધોરણ, પોઝીટીવ ઈમોશન્સ અને નેગેટીવ ઈમોશન્સને ધ્યાનમાં લેવાયા હતા.
યુરોપના દેશોએ ફરી એકવાર વિશ્વના ખુશમાં ખુશ દેશોમાં બાજી મારી હતી. ટોચના પાંચ ખુશ દેશોમાં પહેલા નંબરે ફિનલેન્ડ પછી ડેનમાર્ક બીજા નંબરે, સ્વિત્ઝર્લેન્ડ ત્રીજા, આઈસલેન્ડ ચોથા અને નેધરલેન્ડ પાંચમા નંબરે રહ્યું હતું. ન્યૂઝીલેન્ડ એક સ્થાન ગગડીને 9મા સ્થાને રહ્યું હતું. આમ ટોપ ટેન દેશોમાં તે એક જ નોન યુરોપિયન દેશ હતો જેણે આ યાદીમાં ટોચના દસ દેશોમાં સ્થાન જમાવ્યું હતું.
અન્ય દેશોમાં જર્મની 17મા ક્રમેથી આગળ વધીને 13મા ક્રમે પહોંચ્યું હતું જ્યારે ફ્રાન્સ બે પગથિયાં આગળ વધીને 21મા ક્રમે રહ્યું હતું. યુકે 13મા સ્થાનેથી ગગડીને 17મા ક્રમે અને અમેરિકા 1 પગથિયું ગગડીને 19મા ક્રમે પહોંચ્યું હતું.
ત્રીજા ભાગના દેશોમાં કોરોનાને કારણે લોકોમાં નકારાત્મક ભાવના જોવા મળી હતી જ્યારે 22 દેશોમાં લોકોના પોઝિટિવ વિચારો અને ભાવના વધ્યા હતા. લોકોએ કોરોનાની મહામારીને સામાન્ય રીતે મૂલવી હતી અને દરેકને અસર કરતો બાહ્ય ખતરો ગણાવ્યો હતો. આને કારણે લોકોમાં સારી ભાવના અને એકતાનાં મૂલ્યો જાગ્યાં હતાં. રિપોર્ટ તૈયાર કરનાર જેફ્રી સાશે ચેતવણી આપી હતી કે કોરોના પછી આપણે સૌએ સંપત્તિને બદલે તંદુરસ્તીને મહત્ત્વ આપવું જોઈએ.