ઓલિમ્પિકસની જે રમતમાં ભારતે અત્યાર સુધી સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તે હોકીમાં ટોકિયો ઓલિમ્પિકસમાં ભારતનું અભિયાન સમાપ્ત થયું છે. ગઇકાલે પુરૂષ હોકી ટીમ સેમેફાઇનલમાંથી બહાર થયા બાદ આજે મહિલા ટીમ પણ ગોલ્ડના અભિયાનમાંથી બહાર થઇ ગઇ છે. ઓલમ્પિકસના 125 વર્ષના ઇતિહાસમાં ભારતે કુલ 9 ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. જે પૈકી 8 મેડલ એકલાં હોકીની રમતમાં પ્રાપ્ત થયા છે. જયારે હોકી સિવાયની અન્ય રમતોમાં એકમાત્ર ગોલ્ડ 2008ની બીજી ઓલિમ્પિકસમાં 10 મીટર એર રાઇફલ શૂંટિગમાં ભારતના અભિનવ બિન્દ્રાએ મેળવ્યો છે.
1896માં ગ્રીસના એથેન્સ શહેરથી શરૂ થયેલાં ઓલિમ્પિકસના અત્યાર સુધીના ઇતિહાસમાં એકમાત્ર હોકીની રમતમાં ભારતનો દબદબો રહ્યો છે. 1928થી 1980 ભારતીય હોકીનો સુવર્ણકાળ રહ્યો છે. આ 50 વર્ષ દરમ્યાન ભારતીય પુરૂષ હોકી ટીમે કુલ 08 વખત ચેમ્પીયન બની સુવર્ણચંદ્રક મેળવ્યા છે. જયારે 1960ની રોમ ઓલિમ્પિકસમાં સિલ્વર જયારે 1968ની મેકસિકો તેમજ 1972ની મ્યુનિચ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો.
1980 બાદ ભારતીય હોકી ટીમનો સુવર્ણયુગ સમાપ્ત થયો હોય તેમ ભારતીય ટીમ ઓલિમ્પિકસમાં એક પણ મેડલ મેળવી શકી નથી. ટોકયોમાં રમાય રહેલાં ઓલિમ્પિકસમાં સેમીફાઇનલમાં ભારતની પુરૂષ અને મહિલા બંન્ને ટીમોનો પરાજય થયો છે. તેમ છતાં બંન્ને ટીમો પાસે હજુ બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેલી છે.જો ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ મળશે તો હોકીમાં 40 વર્ષબાદ કોઇ મેડલ પ્રાપ્ત થશે.