ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ એમ કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું. ભારતે આખરી દિવસે બેડમિંટનમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુએ, પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેને અને મેન્સ ડબલ્સમાં રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ કમલે 40 વર્ષની વયે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ મેલબોર્નમાં 2006માં તે બે ગોલ્ડ જીત્યો હતો. આ તેની પાંચમી કોમનવેલ્થ હતી અને તેણે કુલ 13 મેડલ જીત્યા છે જે એક રેકોર્ડ છે. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં જ ભારતના સાથિયાને આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતનો આજે મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે 7-0થી શરમજનક પરાજય થયો હતો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડયું હતું. તેવી જ રીતે મહિલા ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી. ગોલ્ડ મેડલ જીતવાની રીતે ભારતનો જો કે આ કોમનવેલ્થ દેખાવ શ્રેષ્ઠ નથી. 2010માં ભારતે 38, 2002માં 30, 2018માં 26, 2006માં 22 અને હવે 2022માં પણ 22 ગોલ્ડ મેડલ જીત્યા છે.