લોકડાઉન બાદ અનલોકના રૂપમાં નિયંત્રણોના દ્વાર ખૂલવા માંડતાં આર્થિક ગતિવિધિઓમાં સતત તેજી, સમારોહ, જાહેર સ્થળો પર ભીડ ઊમટતાં’ લોકોની બેદરકારીમાં કણસવા માંડેલા ભારતમાં’ નવેસરથી ચિંતા, ઉચાટ ફેલાવ્યાં છે. દેશમાં ગુરુવારે લગભગ અઢી મહિનામાં સૌથી વધુ 22,854 નવા કેસ સામે આવ્યા હતા.
આંકડા પર સટિક નજર કરતાં પૂરા 76 દિવસ બાદ આટલા વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પાંચ મહિનાનો વિક્રમ તોડતાં 24 કલાકમાં 13 હજારથી વધુ કેસ નોંધાયા હતા. એક પખવાડિયામાં સંક્રમણની ગતિ બમણી થઇ ગઇ છે. 23 હજાર નજીક નવા કેસ સાથે દેશમાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા વધીને 1 કરોડ પ12 લાખ 85,561 પર પહોંચી ગઇ છે.
ભારતમાં 24 કલાક દરમ્યાન, વધુ 126 દર્દીને’ કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ મરણાંક વધીને 1,58,189 થઇ ગયો છે. કોરોનાથી મૃત્યુનો’ દર 1.40 ટકા છે. દેશના વિવિધ ભાગોમાં ગુરુવારે વધુ 18,100 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા દર્દીઓની સંખ્યા 1 કરોડ 9 લાખ, 38,146 થઇ ગઇ છે.
દેશમાં સારવાર હેઠળ છે તેવા સંક્રમિતોની સંખ્યામાં આજે 4628 દર્દીનો વધારો થયો હતો. આમ, આજની તારીખે કુલ 1,89,226 દર્દી સારવાર લઇ રહ્યા છે. કુલ્લ સંક્રમિતોની સંખ્યાની સરખામણીમાં સક્રિય કેસોનું પ્રમાણ વધીને 1.68 ટકા થઇ ગયું છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ્લ 22 કરોડ, 42 લાખ 58 હજારથી વધુ લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે.
ગત વર્ષે 11 માર્ચનાં દિવસે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ) દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવી હતી અને આજે બરાબર એક વર્ષે દુનિયામાં 11 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા બે-ત્રણ માસની રાહત પછી ફરીથી આ રોગચાળો વકરવાં લાગ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે. જેને પગલે નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી ફરી એકવાર પૂર્ણ લોકડાઉન જારી કરવામાં આવ્યું છે અને મહારાષ્ટ્રનાં વધુ કેટલાક શહેરોમાં લોકડાઉન લાગુ થવાની સંભાવના છે.
ગત વર્ષે જાન્યુઆરીમાં હુ તરફથી ન્યુમોનિયા જેવા સંક્રમણ ફેલાવાની જાણકારી આપવામાં આવી હતી પણ તેનું કારણ અને નિદાન વિશે કોઈ જ જાણકારી અપાઈ નહોતી. ભારતમાં 31મી જાન્યુઆરીએ કોરોનાનો પહેલો દર્દી સામે આવ્યો હતો અને એ દિવસે જ હુ તરફથી આ બીમારીને સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી ઘોષિત કરવામાં આવી હતી. ત્યાર બાદ રોજેરોજ વકરીને આ રોગે બિહામણું રુપ ધારણ કર્યુ હતું. જેનાં હિસાબે 11 માર્ચે તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી.
છેલ્લા ત્રણેક માસથી ભારતમાં મહામારી કાબૂમાં જણાઈ રહી હતી પણ હવે ફરીથી તેની બીજી લહેર શરૂ થઈ છે. જેમાં મહારાષ્ટ્રનાં નાગપુરમાં ફરીથી પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંકેત પણ આપ્યો છે કે જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો રાજ્યનાં વધુ કેટલાંક શહેરોમાં લોકડાઉન આવી શકે છે. જો કે તેમણે હજી સ્થિતિ બેકાબૂ બની હોવાને અનુમોદન આપ્યું નથી.’