દેશમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. તો બીજી તરફ કોરોના સામેના એકમાત્ર હથિયાર તરીકે પ્રસ્તુત કરાયેલા રસીકરણ અભિયાનની અત્યંત મંદ ગતિએ જામનગરમાં ચિંતાની લાગણી જન્માવી છે. જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણમાં જબ્બર ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ રસીકરણમાં ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સરેરાશ 300 કોરોના પોઝિટીવ કેસ નોંધાઇ રહયા છે. તો રસીકરણની સરેરાશ માત્ર 2000 વ્યકિતઓની રહી ગઇ છે.
વડાપ્રધાનની અપીલ પરથી સમગ્ર દેશમાં 11 થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવ ઉજવવામાં આવ્યો. રાજયમાં મુખ્યમંત્રી કોરોના વેકિસનને અમોઘ શસ્ત્ર ગણાવી રહયા છે. વધુમાં વધુ વેક્સિનેશન થાય તેવી અપીલ કરી રહયા છે. એટલું જ નહીં રસીકરણના પ્રચાર અને પ્રસાર માટે સરકાર દ્વારા કરોડોનું ખર્ચ પણ કરવામાં આવી રહયું છે. ત્યારે જામનગર શહેરમાં આનાથી તદન વિપરીત ચિત્ર જોવા મળી રહયું છે. અગાઉના સપ્તાહની સરખામણીએ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં રસીકરણના આંકડાઓ નિરાશાજનક રહ્યા છે. ખૂબ જ ધીમી ગતિએ રસી આપવામાં આવતી હોય તેવું જણાઇ રહયું છે. જામ્યુકોના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં દરરોજ (રજાના દિવસોમાં પણ) લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત અનેક ખાનગી સંસ્થાઓ દ્વારા પણ રસીકરણ માટેના મેગા કેમ્પ યોજવામાં આવી રહયા છે. છતાં પણ રસી લેનારાઓની સંખ્યા દૈનિક માંડ-માંડ બે હજારે પહોંચી રહી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે રસીકરણનો આ આંકડો દૈનિક 4000થી વધુ હતો. ત્યારે અચાનક જ રસીકરણમાં થયેલા ઘટાડા પાછળના કારણો શું ? શું તંત્રની સુસ્તી આ માટે જવાબદાર છે કે લોકોની જાગૃતિ ?
આ માટે વેક્સિનના ડોઝનો અભાવ છે કે પછી સુવિધાઓનો ? તે અંગે તંત્રએ તાકિદે સ્પષ્ટતા કરવી જોઇએ. જનજાગૃતિ માટે તંત્ર સાથે તમામ રાજકીય પક્ષો અને આગેવાનોએ પણ જનજાગૃતિ અભિયાન ચલાવવાની આવશ્યકતા જણાઇ રહી છે. જો કે, રસીકરણ ઘટવા પાછળના કયાં કારણો જવાબદાર છે ? તે અંગે તાકિદે સ્પષ્ટતા કરવામાં આવે તે જ્રરૂરી છે.
છેલ્લાં પાંચ દિવસમાં કોરોના સંક્રમણ
11, એપ્રિલ 312 કેસ
12, એપ્રિલ 296 કેસ
13, એપ્રિલ 302 કેસ
14, એપ્રિલ 308 કેસ
15, એપ્રિલ 309 કેસ
કુલ 1,527
છેલ્લાં 5 દિવસના રસીકરણના આંકડા
11, એપ્રિલ 2,925
12, એપ્રિલ 2,412
13, એપ્રિલ 1,653
14, એપ્રિલ 1,603
15, એપ્રિલ 2,036
કુલ 10,629