જામનગર શહેરમાં ગઇકાલે ગુરૂવારે સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયા બાદ ફરી લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીના ઉછાળા સાથે આજે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. આમ છતાં વ્હેલી સવારે તથા મોડીરાત્રીના શહેરીજનોએ હાડથિજાવતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.
જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર જામનગરમાં મહત્તમ તાપમાન 26.0 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 13.0 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 60 ટકા નોંધાયું હતું. જામનગરમાં કલેકટર કચેરીના કંટ્રોલ રૂમમાં ભલે 3 ડિગ્રીનો વધારો નોંધાયો હોય, પરંતુ શહેરીજનો કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો હોય તેવો અહેસાસ કરી રહ્યાં હતાં.
શહેરમાં વ્હેલી સવારે તથા મોડીરાત્રે બર્ફીલો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. જેના પરિણામે દિવસભર લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા રહ્યાં હતાં. તો મોડીરાત્રે માર્ગો પણ સુમસામ બન્યા હતાં. હાર્ડ થિજાવતી ઠંડીના પરિણામે લોકોએ કામ વગર બહાર નિકળવાનું ટાળ્યું હતું અને ચા-કોફી, સુપ, કાવો જેવા ગરમ પીણાનો આશરો લીધો હતો.