ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લેતા 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે. પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. એક ઈનોવા કાર ચાલકે 12 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યા હતા.
આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કારે તેમને ફંગોળ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુ:ખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.