દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં મેઘમહેર અવિરત રહી હતી. મોસમના પ્રથમ વરસાદમાં જ 10 ઈંચ વરસાદ વરસતા પંથકમાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આ મેઘસવારી અવિરત રહેતાં છેલ્લાં 24 કલાક દરમિયાન ઝાપટારૂપે સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન કેશોદમાં વાડી વિસ્તારમાં વીજળી પડતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વિસ્તારમાં વીજળી પડવાથી અનેક પશુઓના મોત નિપજ્યા હતાં.
બનાવની વિગત મુજબ, ખંભાળિયા પંથકમાં અવિરત રીતે જારી રહેલા બફારા અને વરસાદી વાતાવરણ બાદ ગઈકાલે ગુરુવારે બપોરે પુન: ધીમા તથા ભારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરે 4 વાગ્યા સુધી માં 19 મી.મી. પાણી વરસી જતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ 9 અને દ્વારકામાં 2 મી.મી. વરસાદ વરસી જવા પામ્યો છે. ખંભાળિયા તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ 390 મી.મી. વરસાદ થયો છે. જ્યારે ભાણવડ 108, કલ્યાણપુર 67 અને દ્વારકા તાલુકામાં કુલ 46 મી.મી. વરસાદ નોંધાયો છે.
ગઈકાલે ગુરુવારે બપોરે વીજળીના ગડગડાટ સાથે વરસેલા વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામમાં કેશોદ ગામના વાડી વિસ્તારમાં કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની એવા પરપ્રાંતીય શ્રમિક બલ્લુભાઈ મેહતાબ અલાવા (ઉ.વ.52) નામના આધેડનું વાંસાના ભાગે આકાશી વિજ ત્રાટકતા તેમને ઈમરજન્સી 108 ના સ્ટાફે સી.પી.આર. સારવાર આપી, અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જે અંગેની જાણ મૃતકના પત્ની રૂખડીબેન અલાવાએ અહીં પોલીસને કરી છે. આ ઉપરાંત અન્ય એક ગ્રામ્ય વિસ્તારમાં આકાશી વીજ ત્રાટકતા કેટલાક પશુઓના પણ મોત નિપજ્યા હતા. આજરોજ સવારથી રાબેતા મુજબ વરાપ નીકળ્યો હતો અને ગરમી સાથે સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા.