વર્ષ ૨૦૧૫ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરનો નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ રાજ્યોના વહીવટી વડાઓ, ક્લેક્ટરઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ તકે, દેશની પસંદગી પામેલી હોસ્પિટલ્સ તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે ૨૫ વ્યસન સારવાર સુવિધા કેન્દ્રો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં નશાથી પીડિત લોકોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ૩ નશામુક્ત ભારત અભિયાન કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલની આ મિશન હેઠળ પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડો. વીરેન્દ્ર કુમાર દ્વારા જી.જી. હોસ્પિટલ ખાતે વ્યસન સારવાર સુવિધા કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંએ જામનગરની જનતાને નશામુક્ત ભારત અભિયાન વિષે જાગૃતિ સંદેશો આપ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ નશામુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, જી.જી. હોસ્પિટલ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અને નોડલ ઓફિસર દિપક એસ. તિવારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હારુન ભાયા, આરોગ્ય વિભાગ જિલ્લા કો- ઓર્ડીનેટર યજ્ઞેશ ખારેચા, જિલ્લા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારી મહેન્દ્ર પટેલ, આરોગ્ય મદદનીશ પરમભાઈ ઠક્કર, મેડિકલ ઓફિસર ડો. પૂજા માંડપિયા, સલાહકાર ધારાબેન મકવાણા, તેમજ જી.જી. હોસ્પિટલના અન્ય કર્મચારીઓ અને મેડિકલ ટીમ સદસ્યો ઉપસ્થિત રહયા હતા.