Friday, December 26, 2025
Homeરાજ્યગુજરાતચૂંટણીના પડઘમ, 10 દી’માં લોકાર્પણ-ખાતમુહૂર્ત આટોપી લ્યો : મુખ્યમંત્રી

ચૂંટણીના પડઘમ, 10 દી’માં લોકાર્પણ-ખાતમુહૂર્ત આટોપી લ્યો : મુખ્યમંત્રી

મંત્રીઓ, સચિવોને સંદેશા મોકલ્યા : ચૂંટણી પૂર્વે ગરીબ મેળા પણ ‘ફુલ’ કરવા સરકારની તૈયારી

વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય એ પૂર્વે તૈયાર પ્રોજેકટના તુરંત લોકાર્પણ કરાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે દરેક મંત્રીઓ, સચિવોને આદેશ આપ્યાનું જાણવા મળેલ છે. વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઇ પટેલે તમામ વિભાગોને જે પણ પ્રોજેક્ટ્સ પૂરા થઈ ગયા હોય તેમનું 15 ઓક્ટોબર સુધીમાં લોકાર્પણ કરી દેવા સૂચના આપી છે.

- Advertisement -

મંત્રીઓ અને સચિવોને આ અંગે મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં સૂચના આપી હતી. જેમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે પણ પ્રોજેક્ટ મંજૂર થઈ ગયા છે તેમનો શિલાન્યાસ પણ 15 ઓક્ટોબર સુધીમાં થઈ જવો જોઈએ. આયોજન વિભાગને તમામ પેન્ડિંગ અપ્રુવલ પર સત્વરે કામગીરી હાથ ધરી તેને મંજૂરી આપવા કહી દેવાયું છે. જેથી આ પ્રોજેક્ટ્સને સંલગ્ન કામગીરી ઝડપથી શરૂ થઈ શકે. તમામ વિભાગો જે-તે પડતર કામોની મંજૂરી મેળવી લે. કેબિનેટ બેઠકમાં આ મુદ્દા સિવાય બીજો કોઈપણ મહત્વનો મુદ્દો પણ ચર્ચામાં સામેલ નહોતો કરાયો.

તા. 11-13 ઓક્ટોબર દરમિયાન યોજાતા ગરીબ કલ્યાણ મેળામાં પણ તમામ લાભાર્થીઓને ઉપસ્થિત રાખવા માટે તાકિદ કરી હતી. ગરીબ કલ્યાણ મેળા સાથે સંકળાયેલા જે-તે વિભાગના અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને અલગ-અલગ જિલ્લામાં થનારા કાર્યક્રમમાં તમામ લાભાર્થી ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. આગામી 10 દિવસમાં તમામ જિલ્લામાં પૂર્ણાહુતિના આરે રહેલા પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપથી પૂરી કરી તેના લોકાર્પણના કાર્યક્રમો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે છે.

- Advertisement -

છેલ્લા કેટલાક સપ્તાહોમાં રાજ્યમાં વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીના હસ્તે કરોડો રૂપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ અથવા ખાતમૂર્હુત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ બે દિવસના પ્રવાસે આવેલા મોદીએ સુરત, અમદાવાદ, ભાવનગર તેમજ બનાસકાંઠામાં અમદાવાદમાં જાહેર સભાઓ કરવાની સાથે મેટ્રો સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. તેઓ આગામી દિવસોમાં પણ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular