ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. તેવામાં વલસાડ જીલ્લાના વહીવટી તંત્ર દ્રારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડમાં જાહેર રજાઓના દિવસે તમામ પર્યટન સ્થળો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય અને કેસ નિયંત્રણમાં આવે તે માટે આ નિર્ણય લેવાયો છે.
કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે વલસાડ જીલ્લા વહીવટી તંત્ર દ્રારા શનીવાર અને રવિવારના રોજ પ્રસિદ્ધ તીથલ દરિયાકિનારો અને જિલ્લાના તમામ પર્યટક સ્થળો જાહેર રજાના દિવસે બંધ રાખવામાં આવ્યા છે. તો સાથે સાથે આવા સ્થળો ઉપર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો સાથે સાથે જાહેર સ્થળો જેમકે બસ ડેપો, રેલ્વે સ્ટેશન ઉપર પણ ખાસ મોનીટરીંગ થઇ રહ્યું છે. જિલ્લામાં ક્રિકેટ મેચ માટે પણ ગાઈડ લાઈન બહાર પાડવામ આવી છે. મેચ રમતા ખેલાડીઓએ પહેલા કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને સાથે સાથે આયોજકે મેચ માટે પરવાનગી લેવાની રહેશે. ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન પ્રેક્ષકો હાજર નહિ રહી શકે.
વલસાડમાં પર્યટન સ્થળો પર જાહેરરજાના દિવસે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ બાગબગીચાઓ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.