ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે ઓમીક્રોન વેરિયન્ટના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં ઓમીક્રોનના કેસની સંખ્યા વધીને 30 થઇ છે. વડોદરામાં આજે એકી સાથે કોરોનાના ઓમીક્રોન વેરીયન્ટના 7 કેસ નોંધાતા કુલ કેસ 10 થયા છે. રાજ્યમાં નોંધાયેલા ઓમીક્રોનના 30 કેસ પૈકી 25 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
ગુજરાતમાં અત્યાર સુધી ઓમીક્રોનના 30 કેસ નોંધાયા છે. જે પૈકી 5 દર્દીઓ સ્વસ્થ થયા છે. 25 સારવાર હેઠળ છે. કુલ 30 પૈકી વડોદરામાં 10, અમદાવાદમાં 7,જામનગરમાં 3, મહેસાણામાં 3, આણંદમાં 3, સુરતમાં 2, ગાંધીનગર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે. વડોદરામાં જે 7 કેસ નોંધાયા તે તમામ એક જ પરિવારના છે જે પૈકી 3 બાળકો, 2 મહિલા અને 2 પુરુષ છે. જે પરિવાર ઓમીક્રોન સંક્રમિત થયો તે 15 ડીસેમ્બરથી જ હોમ અઈસોલેશનમાં છે. આ તમામ દર્દીઓ ઝામ્બીયાથી પરત ફર્યા હતા.
ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા છે. જે પૈકી 7 વડોદરાના, 5 અમદાવાદ મહેસાણા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા હતા. તો આજે કોરોનાથી પણ 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં જામનગરના 2 દર્દી અને અમદાવાદના 1 દર્દીનું મૃત્યુ નીપજ્યું છે.