જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતાં ખેડૂત પિતા-પુત્રએ સજોડે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવમાં વૃદ્ધ પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને પુત્ર હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ગામમાં હનુમાનજી મંદિર પાસે રહેતાં ગણેશભાઈ ભનાભાઈ સંઘાણી (ઉ.વ.70) નામના પટેલ વૃધ્ધ ખેડૂતએ શનિવારે સવારના સમયે તેના ખેતરે તેના પુત્ર હર્ષદભાઈ સંઘાણી સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પિતા-પુત્રને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વૃધ્ધ પિતા ગણેશભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર હર્ષદ સંઘાણી (ઉ.વ.39) ને બેશુધ્ધ હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. નાના એવા ગામમાં ખેડૂત પિતા-પુત્રએ સજોડે આપઘાત કર્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ અંગે વૃદધ્ધ ખેડૂતના પુત્ર અરવિંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.એમ. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વૃધ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પિતા-પુત્રએ કયા કારણોસર જિંદગી ટૂંકાવી તેનું કારણ જાણવા તપાસ આરંભી હતી.