જામનગરમાં તાજેતરમાં ચાંદીબજાર નજીક આવેલ આંગડિયા પેઢીમાંથી થયેલી રૂા.5 લાખની ચોરીના પ્રકરણમાં ફરિયાદી જ ખૂદ આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ફરિયાદીના મિત્રને ઝડપી લીધો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી એવા ફરિયાદીને પણ રૂા.55 હજારની રોકડ સાથે ઝડપી લીધો હતો. જેમાં ફરિયાદી ઉપર કરજ વધી ગયું હોય મિત્રની મદદથી ચોરીનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતું.
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલી પટેલ ઈશ્ર્વરદાસ બેચરદાસ નામની પેઢીમાંથી આઠેક દિવસ પહેલાં રૂા. પાંચ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી અને પેઢીનું સંચાલન કરતાં હરિસિંહજી અણદાજી વાઘેલાએ પોલીસ ફરિયાદ કરી હતી.
ઉપરાંત પોલીસને ફરિયાદી ઉપર પણ કેટલીક શંકાઓ ગઈ હતી અને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન મુળ મહેસાણાના વતની એવા દાદુજી મગનજી ઠાકોર નામના એક શખ્સને થોડા દિવસ પહેલાં પોલીસે પકડી પાડયો હતો અને તેની પાસેથી રૂા.50 હજારની રોકડ રકમ કબ્જે કરી હતી. જેની પૂછપરછ શરૂ થતા તેણે પટેલ ઈશ્ર્વરદાસ બેચરદાસની આંગડિયા પેઢીમાંથી ઉપરોકત રકમની ચોરી કર્યાનું કબુલી લીધું હતું.
પોલીસને વિશેષ પૂછપરછમાં તેણે બનાવ રાત્રે સૌ પ્રથમ પોતાના મિત્ર એવા આંગડિયા પેઢીના સંચાલક હરિસિંહ પાસેથી ચાવી મેળવી હતી અને તેની સાથે મિલાપું પણ કરીને કાવતરૂ ઘડી આંગડિયા પેઢીનું તાળું ખોલી અંદરની તિજોરીમાંથી રૂા.1 લાખ 45 હજારની રોકડ રકમ પડેલી હતી. જે ચોરી કરીને પોતે ભાગી છૂટયો હતો. ત્યાર પછી આંગડિયા પેઢીના સંચાલક હરિસિંહ સાથે ભાગ બટાઈ કરીને પોતે 70 હજાર રૂપિયા રાખી લીધા હતાં. જ્યારે ફરિયાદ કરનાર હરિસિંહના ભાગે બાકીની રકમ આવી હતી. અન્ય રકમ હરિસિંહ એ પહેલાં જ ચોરી કરી લીધી હતી. પોલીસની તપાસમાં ફરિયાદી પોતે જ ચોર હોવાનું અને કાવતરું કર્યુ હોવાનું સામે આવ્યું છે.
જેના ઉપર રૂા. સાડા ત્રણ લાખનો કરજો વધી ગયો હોવાથી તે રકમ પૂરી કરવા માટે ચોરીનો પ્લાન કર્યો હતો અને પોતાના મિત્ર દાદુજીને જામનગર બોલાવી લઇ સાથે મળીને ચોરી કરાવી હતી અને તેણે ચાવી આપી હતી. ત્યારબાદ પાછળથી કટર વડે તાળું અને ગ્રીલ વગેરે કાપી નાખી પોલીસ તંત્રને ધંધે લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આખરે ભાંડો ફૂટી ગયો છે. એક આરોપીને સકંજામાં લેવાયો હતો. જ્યારે મૂળ ફરિયાદી નાશી ગયો હતો. જે હરિસિંહ વાઘેલાને પણ પોલીસે લાલપુર બાયપાસ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. અને તેને એક દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો છે. જયારે તેની પાસેથી રૂા.55 હજારની રોકડ રકમ પણ કબ્જે લેવામાં આવી હતી.