Saturday, October 19, 2024
Homeરાષ્ટ્રીયચોમાસામાં વરસાદને બદલે આગ ઓકી રહ્યું છે આકાશ

ચોમાસામાં વરસાદને બદલે આગ ઓકી રહ્યું છે આકાશ

ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૂલાઇના પ્રારંભે કાળઝાળ ગરમી : રાજસ્થાનમાં ગરમીનો પાર 46 ડિગ્રીએ પહોંચી ગયો : દેશના અનેક ભાગોમાં ભરચોમાસે હિટવેવ જેવી સ્થિતિ

- Advertisement -

ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતાં લોકો પરેશાન થઈ ગયા હતા. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે, તેના બદલે આકાશમાંથી આગ ઝરતો તાપ વરસતા આખું ઉત્તર ભારત પરેશાન બની ગયું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુય એકાદ સપ્તાહ સુધી ગરમીમાં રાહત મળવાની શક્યતા ઓછી છે. ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે જુલાઈના પહેલા સપ્તાહમાં આખાય ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળશે.

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો ગયો હતો અને એપ્રિલ-મે માસમાં જેવી ગરમી પડતી હોય છે એવી ગરમી જુલાઈ માસમાં અનુભવાઈ હતી. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે.

અને તેના કારણે વાતાવરણમાં હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે. વળી, તાપમાનનો પારો લગભગ સાતેક રાજ્યોમાં સરેરાશ 40 ડિગ્રી કરતાં પણ વધુ નોંધાતા લોકો પરેશાન થઈ ગયા હતા. જાણે અચાનક ઉનાળો ત્રાટક્યો હોય એવો માહોલ છેલ્લાં દિવસમાં થઈ ગયો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે આમ તો દેશના ઘણાં વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા ઉત્તર ભારતના રાજ્યો ચોમાસાથી એક સપ્તાહ સુધી બાકાત રહેશે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં આ રાજ્યોમાં વરસાદની શક્યતા નહીંવત છે એટલે ગરમીમાંથી પણ રાહત મળવાની શક્યતા નથી. લૂ અને ગરમીથી બેહાલ થયેલા ઉત્તર ભારતમાં વીજળીની ડિમાન્ડ વધી ગઈ હતી. દિલ્હી 43 ડિગ્રી તાપમાં શેકાયું હતું. તેના કારણે પાટનગર દિલ્હીમાં વીજળીની સર્વોચ્ચ ડિમાન્ડ ગુરુવારે 7026 મેગાવોટ સુધી પહોંચી હતી. બુધવારે 6921 મેગાવોટ અને મંગળવારે 6592 મેગાવોટની વીજળીની ડિમાન્ડ રહી હતી. આ 2020 અને 2021 એમ બે વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ ડિમાન્ડ નોંધાઈ હતી. છેલ્લે 2જી જુલાઈ 2019ના દિવસે દિલ્હીમાં વીજળીની ડિમાન્ડ 7409 મેગાવોટ હતી. પાટનગરમાં વીજળીના ખર્ચ પરથી અંદાજ લગાવી શકાય કે ઉનાળામાં જે રીતે એસી અને પંખાની જરૃરિયાત વધારે પડે છે એટલી જ કે તેનાથી પણ વધુ જરૂરિયાત અત્યારે પડી રહી છે.

- Advertisement -

જૂલાઇમાં 94 થી 106 ટકા વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દેશમાં જૂલાઇ મહિના દરમ્યાન ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. જૂલાઇ દરમ્યાન દેશમાં 94 થી 106 ટકા વરસાદ વરસવાની સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. ચોમાસાના પ્રથમ જૂન મહિનામાં દેશમાં સરેરાશ કરતાં 10 ટકા વધુ વરસાદ નોંધાયો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસથી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું અટકી ગયું છે. જયારે રાજસ્થાન સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસું હજુ પહોંચ્યું જ નથી.

ગુજરાતમાં એક સપ્તાહ સુધી વરસાદની કોઇ સંભાવના નહીં
ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત બાદ ચોમાસુ કરંટ નબળો પડી ગયો છે. હાલ કોઇપણ પ્રકારની સિસ્ટમ કાર્યરત ન હોવાને કારણે આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની કોઇ સંભાવના નહીં હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 8 જૂલાઇ બાદ બંગાળની ખાડીમાં લો પે્રશર નિર્માણ થયા બાદ ચોમાસું સક્રિય બની શકે છે. જો કે, આ સમયગાળા દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular