જામનગર શહેરના ભીમવાસના ઢાળિયા પાસે જૂની માથાકૂટનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્સોએ રીક્ષામાં આવી તલવાર અને છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં કિરણભાઈ કારાભાઈ વાઘેલા નામના યુવાનને આશરે ત્રણ વર્ષ પહેલાં કેસુ ખીમજી વાઘેલા નામના શખ્સ સાથે માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખી સોમવારે સવારના સમયે કિરણ તેના મિત્રના પુત્રને સ્કૂલ બસમાં મૂકવા માટે ભીમવાસના ઢાળિયા પાસે ઉભો હતો તે દરમિયાન જગદીશ ભીમજી વાઘેલા અને કેશુ ખીમજી વાઘેલા નામના બે ભાઈઓએ રીક્ષામાં આવીને કિરણ ઉપર તલવાર અને છરી વડે માથાના ભાગે તથા હાથમાં હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આર. પી. અસારી તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલા કિરણના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ હુમલાનો અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.