જામનગર તાલુકાના સીક્કા ગામમાં ટીપીએસ કોલોનીમાં રહેતાં કર્મચારીના મકાનનો દરવાજો તોડી કબાટમાં રાખેલા સોનાના દાગીના મળી રૂા.98000 ની કિંમતના દાગીના ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં ટીપીએસ કોલોની બ્લોક નંબર 332 કવાર્ટર નંબર 2 માં રહેતાં અશોકભાઈ માવજીભાઈ પરમાર નામના યુવાનનું મકાન ગત તા.18 ના સવારથી તા.19 ના રાત્રિના 10 વાગ્યા સુધી બંધ હતું તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ દરવાજાના નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા રૂા.20 હજારની કિંમતના 20 ગ્રામના સોનાના બે નંગ પાટલા તથા રૂા.10 હજારની કિંમતનું સોનાનું મંગળસુત્ર અને રૂા.4500 ની કિંમતની સાડા ચાર ગ્રામની સોનાની બુટીની જોડી તથા રૂા.4000 ની કિંમતની 4 ગ્રામની સોનાની વીંટી અને રૂા.60,313 ની કિંમતનો 10 ગ્રામ 970 મીલી વજનનો સોનાનો ચેઈન સહિત કુલ રૂા.98,813 ની કિંમતના સોનાના દાગીના ચોરી કરી ગયા હતાં. બહારગામથી પરત ફરેલા કર્મચારી દ્વારા ચોરીની જાણ કરવામાં આવતાં હેકો સી બી ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.