ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના મૂળ રહીશ એવા એક હિન્દુ વાઘેર શખ્સ દ્વારા પોતાની પાસે એલોપેથી દવા અંગેની પ્રેક્ટિસની ડીગ્રી ન હોવા છતાં સલાયામાં દવાખાનું ખોલી, લોકોના એલોપથી ઈલાજ કરતા એલસીબી પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સ પાસેથી જુદી જુદી પ્રકારની દવાઓ સહિત કુલ રૂ. 6.29 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે લીધો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દરિયાકાંઠાના અને અલ્પશિક્ષણ ધરાવતી વસ્તીવાળા વિસ્તાર સલાયા પંથકમાં એક યુવાન પોતાની પાસે લોકોને એલોપથી દવા આપવા માટેની જરૂરી ડિગ્રી ન હોવા છતાં પણ સલાયામાં જાહેરમાં દવાખાનું ખોલી, અને લોકોને સારવાર કરી રહ્યો હોવા અંગેની બાતમી એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળતા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સલાયા ખાતે એલસીબી સ્ટાફ દોડી ગયો હતો.
સલાયામાં આવેલી રવીવારી બજારમાં મોતિયુંવાલે જનરલ હોસ્પિટલના નામથી દવાખાનામાં એલોપથિક ઈલાજ કરી રહેલા ખંભાળિયા તાલુકાના વાડીનારધાર ખાતે રહેતા હમીદ ઈબ્રાહીમભાઇ મોહમ્મદભાઈ સંઘાર નામના 39 વર્ષના હિન્દુ વાઘેર યુવાનનો દબોચી લીધો હતો.
આ સ્થળે પોલીસ તપાસ દરમિયાન ઉપરોક્ત શખ્સ પાસે નેચરોપથીની ડીગ્રી સિવાય અન્ય કોઈ મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી ન હોવા છતાં ઉપરોક્ત શખ્સ એચ.આઈ. સંઘાર દ્વારા પોતાની મોતિયુંવાલે ક્લિનિક ખાતે એલોપેથિક દવાઓ, સિરીંજ, નીડલ તથા મેડીકલ પ્રેક્ટિસને લગતા સાધનો રાખી, પોતે એલોપેથીક ડોક્ટર ન હોવા છતાં સ્થાનીક દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે આ દવાખાનામાંથી જુદી જુદી 297 પ્રકારની એલોપથીક દવાઓ તથા મેડિકલના સાધનો સહિતની ચીજ વસ્તુઓ કબજે લીધી હતી. આ મુદ્દામાલની કિંમત 6,28,843 જાહેર કરવામાં આવી છે. નાના એવા સલાયા ગામમાં દવાખાનુ ખોલીને બેઠેલા કથિત મુન્નાભાઈ એમ.બી.બી.એસ. અંગે અહીંના મેડિકલ ઓફિસર જીતેનભાઈ જોગલની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે મેડિકલ પ્રેક. એકટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.એસ.આઈ. પી.સી. સિંગરખિયા, એ.એસ.આઈ. બીપીનભાઈ જોગલ, દેવશીભાઈ ગોજિયા, કેશુરભાઈ ભાટીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઇ ચાવડા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસીંહ જાડેજા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, હસમુખભાઈ કટારા અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.