જામનગરમાં જર્જરીત 1404 આવાસનું પીપીપીના ધોરણે રી-ડેવલોપમેન્ટ કરી નવા ઇએસડબલ્યુ-1 પ્રકારના આવાસો બનાવવાનો જામ્યુકોની સ્થાયી સમિતિ દ્વારા સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાંં આવ્યો છે. જયારે દરેડ જીઆઇડીસીના ટેકસ અને ચાર્જીસની કોકડું ઉકેલવા જીઆઇડસી પ્લોટ એેન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએન સાથે એમઓયુ કરી સ્પેશ્યલ પર્પસ વ્હીકલ કંપની બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં તમામ જરૂરી સુવિધા પુરી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ રૂા. 7.80 કરોડના જુદા-જુદા વિકાસ ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ગુરૂવારે યોજાયેલી સમિતિની બેઠકમાં શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનું પણ મંજુર કરવામં આવ્યુ છે. જયારે વોર્ડ નં. 7માં મહાલક્ષ્મી બંગલોથી નાઘેડી બાયપાસ જંકશન સુધી રૂા. 4.71 કરોડના ખર્ચે બોકસ કેનાલ બનાવવાના કામનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉપરાંત વોડ નં. પમાં ખોડીયાર કોલોની સમુદ્ર સેલ્સથી ચિત્રકુટ સોસાયટી થઇ સરલાબેન ત્રિવેદી આવાસથી 80 ફુટના રોડ સુધી સ્ટોમવોટર ડ્રેનેજ લાઇનના રૂટનો ફેરફાર પણ મંજૂર કરવામાં આવ્યો છે. દિગ્જામ સર્કલ પાસે બનાવવામાં આવેલા ઓવરબ્રીજની નીચેની જગ્યાને પાર્કિંગ હેતુ માટે 3 વર્ષની લીઝ પર ભાડે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ લીઝથી જામ્યુકોને વર્ષ 81 હજારની આવક થશે. આ ઉપરાંત શહેરને જુદા-જુદા વોર્ડ અને વિસ્તારમાં સિમેન્ટ રોડ, પાણીની પાઇપ લાઇન, રસ્તાની મરામત વગેરે કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી ફુડઝોનની શોપ નં. 7 ને પ વર્ષ માટે પ્રતિવર્ષ રૂા. 141,777ના ભાડેથી આપવાનું મંજૂર કરવામાં આવ્યું છે. બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, કમિશનર ડી.એન. મોદી, ઇન્ચાર્જ ડે. કમિશનર ભાવેશ જાની, આસી. કમિશનર કોમલબેન પટેલ તથા જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.