જામનગર તાલુકાના મિયાત્રા ગામની સીમમાં ખેતરે જતા યુવાનને રસ્તામાં રાખેલ બાઈક સાઈડમાં રાખવાનું કહેતાં યુવાન ઉપર એક શખ્સે પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં રહેતાં અને ખેતી કરતા પરજીતસિંહ ઉમેદસિંહ કંચવા (ઉ.વ.33) નામનો ખેડૂત યુવાન બુધવારે સાંજના સમયે તેના પિતરાઇના ખેતરે જતો હતો તે દરમિયાન પૃથ્વીરાજસિંહ નવલસિંહ કેર અને યુવાનનો મિત્ર હરપાલસિંહ બંને જણા રસ્તામાં બાઈક ઉભુ રાખી વાતો કરતા હતાં. જેથી પરજીતસિંહે બાઈક સાઈડમાં રાખવાનું કહ્યું હતું. ત્યારબાદ પિતરાઈના ખેતરેથી પરત ફરતા પરજીતસિંહ તેના મિત્ર હરપાલસિંહ સાથે વાતચીત કરતો હતો તે દરમિયાન પૃથ્વીરાજસિંહ કેરે પાછળથી પથ્થરનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.