- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં જુદી જુદી નગરપાલિકા તથા તાલુકા પંચાયતો માટે ભાજપના મોવડી મંડળ દ્વારા નવા પ્રમુખ, ઉપપ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળિયામાં આજરોજ સવારે 9 વાગ્યાથી “દ્વારકેશ કમલમ” ખાતે શરૂ કરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખ ઉપરાંત ખંભાળિયા અને જામ રાવલ નગરપાલિકા તેમજ ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુરની તાલુકા પંચાયતના આગામી પ્રમુખ, ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારો માટેની સેન્સ પ્રક્રિયા અંગેની કામગીરી કરવામાં આવી હતી.
આ સેન્સ પ્રક્રિયા માટે અત્રે નિરીક્ષક તરીકે રાજકોટના પ્રભારી પ્રકાશભાઈ સોની, ગીર સોમનાથના પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહ પરમાર, જામનગરના પ્રતીક્ષાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જેમનું દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા મહામંત્રીઓ વિગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દાઓ મેળવવા સદસ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે અહીંના વિવિધ મંડળોના પ્રમુખની રજૂઆતો પણ નિરીક્ષકોએ સાંભળી હતી. નવા હોદ્દેદારો માટે સંકલનની મીટીંગ તેમજ સાંસદ, ધારાસભ્યો સાથે ચર્ચા-વિચારણા બાદ પાર્ટીના હાઈકમાન્ડને રિપોર્ટિંગ કરવામાં આવશે. એકંદરે આજની આ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
- Advertisement -