જામનગર મહાનગરપાલિકામાં બઢતી-બદલીના અલગ રોસ્ટર બનાવવાના બદલે રોસ્ટર અધિકારી દ્વારા મનસ્વી કામગીરી કરવામાં આવતી હોય, તેની સામે પગલા લેવા જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને વોર્ડ નં. 15ના કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે, સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અનુસાર રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરાવવાના રહેશે. પરંતુ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઠરાવ મુજબ રોસ્ટર રજીસ્ટર બનાવવાના બદલે અધિકારી દ્વારા મનસ્વી રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જનરલ બોર્ડમાં આપેલી માહિતી અનુસાર વર્ષ 2008, 2012 અને 2021ના રોસ્ટર રજીસ્ટરમાં ક્રમ જળવાયેલ નથી. તેમજ ઠરાવ મુજબ ભરતી અને બઢતીના બે અલગ રોસ્ટર રજીસ્ટર બનાવવાના થાય છે. પરંતુ આ નિયમનો પણ ઉલાળ્યો કરવામાં આવ્યો છે. તેમજ વર્ષ 2008 પહેલાના કોઇ રોસ્ટર રજીસ્ટર છે નહીં. આથી પહેલાના સમયમાં થયેલ ભરતી અને બઢતી રોસ્ટર રજીસ્ટર વગર થઇ છે. આથી રોસ્ટર અધિકારી સામે પગલા લેવા આ પત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.