જામનગર શહેરમાં હરિયા કોલેજ પાછળના વિસ્તારમાં રહેતા નિવૃત્ત પ્રૌઢે તેમની પત્નીની સારવાર માટે છ માસ પૂર્વે સાત લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતાં. આ રકમ પેટે 20 લાખની માંગણી કરતાં વ્યાજખોરોએ પ્રૌઢનું કારમાં અપહરણ કરી લાવડિયા વાડી વિસ્તારમાં ગોંધી રાખી માર મારી અને પ્રૌઢના મકાનની ફાઈલ બળજબરીથી પચાવી પાડયાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ છેલ્લાં થોડા સમયથી વધી ગઈ છે અને જાહેરમાં જીવલેણ હુમલાઓ અને અપહરણની ઘટનાઓ બેખોફ બની રહી છે અને પોલીસની ધાક ઓસરતી જતી હોય તેવો ભય શહેરીજનો અનુભવી રહ્યા છે. જામનગર શહેરમાં હરિયા કોલેજ પાછળ આવેલા નારાયણનગર શેરી નં.2 માં આવેલા શ્રૃતિ પાર્કમાં રહેતાં અરવિંદભાઈ વીરજીભાઈ સંઘાણી (ઉ.વ.56) નામના પટેલ નિવૃત્ત પ્રૌઢે તેમના પત્નીની સારવાર માટે રણજીતસાગર રોડ પર રહેતા આશિષ ચાન્દ્રા પાસેથી છ માસ પૂર્વે રૂા. 7 લાખની રકમ પાંચ ટકા ઉંચા વ્યાજે લીધી હતી અને આ વ્યાજની લીધેલી રકમનું નિયમિત રીતે વ્યાજ ચૂકવતા હોવા છતાં વ્યાજખોર આશિષ દ્વારા રૂા.20 લાખની માંગણી કરાતી હતી પરંતુ પ્રૌઢ પાસે પૈસાની સગવડ થઈ ન હતી. જેથી આશિષે પૂર્વ આયોજિત કાવતરૂ રચી પ્રૌઢના ઘરે જઈ અપશબ્દો બોલી ધમકી આપી બળજબરીથી જીજે-10-બીજી-9915 નંબરની કારમાં બેસાડી દીધા હતાં.
અને ત્યાંથી પ્રૌઢનું અપહરણ કરી લાવડિયા ગામના સીમ વિસ્તારમાં કોઇ વાડીમાં લઇ જઇ ગોંધી રાખ્યા હતાં અને ત્યાં બેઝબોલના ધોકા, ઈલેકટ્રીક કેબલના વાયર અને ચામડાના પટ્ટા વડે આડેધડ માર મારી 17 જેટલી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી રૂા.20 લાખ આપવાની બળજબરીથી કબુલાત કરાવી હતી અને પ્રૌઢના ફોનથી તેના ભાઈ પરસોતમને ફોન કરાવી મકાનની ફાઈલો બળજબરીથી પડાવી લીધી હતી તેમજ પ્રૌઢને લાવડિયાથી દ્વારકા અને બેટ દ્વારકા સુધી અપહરણ કરી લઇ જઈ મુંઢ માર માર્યો હતો. ત્યારબાદ મુકત થયેલા ઘવાયેલા પ્રૌઢે આ અંગેની જાણ કરતા પીઆઇ કે.એલ. ગાધે તથા સ્ટાફે પ્રૌઢના નિવેદનના આધારે આશિષ ચાન્દ્રા, જીજ્ઞેશ ઉર્ફે જીગો ચાન્દ્રા, હાર્દિક ભટ્ટી અને અજાણ્યા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી અપહરણ કરી ગોંધી રાખી માર મારી બળજબરીથી મકાનની ફાઈલો પડાવી લીધાનો ગુનો શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.