જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાંથી ગઈકાલે બપોરના સમયે નશો કરેલી હાલતમાં પસાર શખ્સને એકઠાં થયેલા લોકોએ ઝડપી લઇ ડંકી સાથે બાંધી લઇ માર માર્યાના વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિવાળીના તહેવારના કારણે બજારોમાં લોકોની અવર-જવર ઘણી વધી ગઈ છે. તહેવારમાં ખરીદી કરવા આવતા લોકોને કારણે જાહેરમાર્ગો પર ટ્રાફિક જામ અને ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે બર્ધન ચોકમાં કંસારાબજાર વિસ્તારમાંથી શુક્રવારે બપોરના સમયે આશરે 50 વર્ષના નશામાં ધૂત થયેલા શખ્સને લોકોએ એકઠાં થઈ પકડી પાડયો હતો અને આ શખ્સને ડંકી સાથે બાંધી દઈ લોકોએ માર માર્યો હતો. અને ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હતો. આ સમગ્ર ઘટનાનો કોઇએ વીડિયો બનાવી વાયરલ કરતા સોશિયલ મીડિયામાં ડંકી સાથે બાંધી દીધેલા શખ્સને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અજાણ્યા વ્યક્તિને ડંકી સાથે બાંધી માર મારી ગેરકાયદેસર અટકાયત કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.