આગામી તા. 28 માર્ચથી જામનગર સહિત રાજ્યભરમાં ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ થશે. જામનગર શહેર જિલ્લામાં આ વર્ષે કુલ 27546 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેને ધ્યાને લઇ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તકેદારીના પગલાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત લાલપુર અને સિક્કા કેન્દ્રને સંવેદનશિલ કેન્દ્ર જાહેર કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીના કારણે ગતવર્ષે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. 28 માર્ચથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જામનગર દ્વારા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં જામનગર શહેર-જિલ્લામાં ધો. 10 માં 18198, ધો. 12 સામાન્ય પ્રવાહમાં 7776, ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 1572 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જામનગર શહેર-જિલ્લામાં ધો. 10ના વિદ્યાર્થીઓ માટે નવ કેન્દ્રો ઉપર 59 બિલ્ડીંગોમાં 601 બ્લોકમાં પરીક્ષા યોજાશે. આ ઉપરાંત ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છ કેન્દ્રો પર 23 બિલ્ડીંગોમાં 245 બ્લોકમાં તથા ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બે કેન્દ્રો ઉપર આઠ બિલ્ડીંગોમાં 81 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય કે, ચોરીના દૂષણને અટકાવવા તમામ પરીક્ષા કેન્દ્રો અને બ્લોકમાં સીસી ટીવી કેમેરાથી સજ્જ રહેશે. આ ઉપરાંત જાહેર કરેલા પરીક્ષા કેન્દ્રોમાંથી લાલપુર અને સિક્કા કેન્દ્રને સંવેદનશિલ જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહ માટે જામનગરમાં છ અને ધ્રોલમાં બે પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકામાં કેન્દ્ર રાખવામાં આવ્યા છે. તા. 28 માર્ચથી શરુ થતી બોર્ડની પરીક્ષા માટે જામનગરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે તા. 27 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા ક્ધટ્રોલ રૂમ શરુ કરવામાં આવશે. જે સવારે 7 થી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેના નં. 0288-2553321 રહેશે. જિલ્લા પરીક્ષા ક્ધટ્રોલ અધિકારી તરીકે બી.એસ. કૈલા તેમજ ધો. 10ના પરીક્ષાના ઝોનલ અધિકારી તરીકે ડી.ડી. ભેસદડીયા અને પી.એન. પાલા તેમજ ધો. 12માં ઝોનલ અધિકારી એમ.કે. ભટ્ટ તેમજ મદદનીશ પરીક્ષા ક્ધટ્રોલર અને ક્ધટ્રોલ રૂમ કલાર્કને જવાબદારી સોંપવામાં આવી છે.