જામનગરના ગોકુલનગર વિસ્તારમાં બિલ્ડરે બનાવેલા બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ચિમકી આપી વોર્ડ નં.6 ના બસપાના કોર્પોરેટરે કરેલી લાંચની માંગણીમાં એસીબીની ટીમે મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં જ છટકુ ગોઠવી કોર્પોરેટર અને વચેટિયાને રંગે હાથ ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા અને વોર્ડ નંબર-6ના બસપાના કોર્પોરેટર તથા એડવોકેટ ફુરકાન શેખ એ ગોકુલનગર વિસ્તારમાં એક બિલ્ડર દ્વારા બનાવેલા બિલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ છે તેમ જણાવી આ અંગે મહાપાલિકામાં લેખિત અરજી પણ કરી છે અને જો તમારે કામ ચાલુ રાખવું હોય તો મારી સાથે સમજવું પડશે તેમ કહી દોઢ લાખની લાંચની માગણી કરવામાં આવી હતી. જાગૃત બિલ્ડર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી જામનગરની લાંચરૂશ્વત શાખાનો સંપર્ક કર્યો હતો. જેના આધારે રાજકોટ એસીબી ઈન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર તથા સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું. આ છટકામાં મંગળવારે બપોરે મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં જ દોઢ લાખની પાવડર વાળી રકમ કોર્પોરેટર ફુરકાન શેખ વતી વચેટિયો અખિલેશ ચૌહાણને લાંચની રકમ સ્વીકારી હતી તે દરમિયાન એસીબીની ટીમે સૌ પ્રથમ વચેટીયાને રોકડ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. અને પટાંગણમાં વોચ રાખીને ઊભા રહેલા કોર્પોરેટર ફુરકાન શેખની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારબાદ બન્નેને જામનગરની એસીબી કચેરીએ લઇ જઇ આવ્યા હતાં.
મહાપાલિકાના બિલ્ડિંગમાં જ એસીબીની ટે્રપથી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો અને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યાં હતાં. છેલ્લાં ઘણાં સમયથી લાંચ રૂશ્વત વિરોધી શાખા એકટીવ બની ગઈ છે અને જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લાંચ લેતા અધિકારીઓ – કર્મચારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં જ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ મહાનગરપાલિકાના વોર્ડ નં.6 ના બસપાના કોર્પોરેટર ફુરકાન શેખ અને વચેટિયો અખિલેશ દોઢ લાખની લાંચ લેતા રંગ હાથ ઝડપાતા ભારે ચકચાર જાગી હતી.