જામનગર શહેરના પ્રણામી સ્કૂલ પાસેના વિસ્તારમાં રહેતી અને છૂટાછેડા લીધેલી મહિલા તેણીના પતિના ઘરે મોટી દિકરીને મળવા ગઈ ત્યારે તેણીના દિયર તથા સાસુએ ગાળો આપી ધકો મારી પછાડી દઈ ધમકી આપી હતી ઉપરાંત માર માર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પ્રણામી સ્કૂલ પાસે વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા મનાલીબેન વિનોદભાઈ ભંડેરી નામની યુવતીને તેણીના પતિ સાથે છુટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ બુધવારે સવારના સમયે મનાલીબેન તેણીના પૂર્વ પતિના ઘરે ડોકયુમેન્ટ દેવા અને મોટી પુત્રીને મળવા ગયા હતાં તે સમયે દિયર પંકજ વલ્લભ વૈષ્વણએ ગાળો કાઢી ધકો મારી પછાડી દીધી હતી. તેમજ ઝાપટ મારી બીજી વખત ઘરે આવીશ તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી ઉપરાંત યુવતીના સાસુ રેખાબેન વલ્લભ વૈષ્ણવએ ગાળો કાઢી ફડાકા ઝીંકયા હતાં. પૂર્વ દિયર અને સાસુ દ્વારા હુમલો કરી માર મારતા યુવતીએ પોલીસમાં જાણ કરી હતી જેના આધારે હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે યુવતીના પૂર્વ સાસુ અને દિયર સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.