જામજોધપુર ખાતે નગરપાલિકા સંચાલિત નગર પંચાયત કન્યા વિદ્યાલય તથા સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલના રૂ. 4.21 કરોડના ખર્ચે નિર્મિત નવીન ભવનોનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, કન્યા કેળવણી માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. 50 ટકા મહિલા અનામત, શાળા પ્રવેશોત્સવ, બેટી બચાવો બેટી પઢાવો જેવા અનેક અભિયાનો સરકારે હાથ ધર્યા છે. શાળામાં વિદ્યા પ્રાપ્ત કરી વિદ્યાર્થીનીઓ કલ્પના ચાવલા સહિતના મહાનુભાવોની જેમ દેશનું નામ રોશન કરે તેમજ વીણા વાદિનીની આ દીકરીઓ વિદ્યા વાહિની બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત શાળાઓમાં 25 વર્ગખંડો, શાળા દીઠ વિજ્ઞાન લેબોરેટરી, લાયબ્રેરી, ચિત્રકલા ખંડ, આચાર્ય ઓફિસ, સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર રૂમ, સ્ટોર રૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જ્યાં હાલ નગર પંચાયત ક્ધયા શાળા ખાતે ધો. 9 થી 12ની કુલ 450 વિદ્યાર્થીનીઓ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કુલ ખાતે 510 વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસ સહિત NMMS પરીક્ષા, વ્યવસાયિક માર્ગદર્શન, મૂલ્ય શિક્ષણ, રમત-ગમત સહિતની કેળવણી મેળવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત નગર શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન તથા કાર્યક્રમની આભારવિધિ ચીફ ઓફિસર એ.જે વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, ડી.એ.ઓ. મધુબેન ભટ્ટ, કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન, કૌશિકભાઈ રાબડીયા, કૌશિકભાઈ ડઢાણીયા તેમજ શાળાના પ્રિન્સીપાલો, વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.