ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ દેશમાં શરૂ થઇ છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ગાયોની સંખ્યા ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર 2019માં કરવામાં આવેલી ગાય તથા ભેંસોની વસતિ ગણતરીમાં આ બાબત સામે આવી રહી છે. એ મુજબ ગુજરાતમાં ગાયોની સંખ્યા સાત વર્ષમાં ઘટી છે, જ્યારે ભેંસોની સંખ્યા આ સમય દરમિયાન વધી છે. શક્યતા છે કે પશુપાલકો દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાય કરતાં ભેંસ રાખવાનું વધારે પસંદ કરી રહ્યા હોય. ભારત સરકારના પશુઓની વસતિ ગણતરીના પ્રાપ્ત આંકડા પ્રમાણે, ગુજરાતમાં ગાયોની સંખ્યા વર્ષ 2012માં 99,83,953 સુધી પહોંચી ગઈ હતી, પરંતુ 2019માં આ સંખ્યા ઘટીને 96,33,637 થઈ ગઈ છે, એટલે કે ગાયોની સંખ્યામાં સાત વર્ષના સમયગાળામાં 3.50 લાખનો ઘટાડો થયો છે. બીજી તરફ, ભારત સરકારની ગણતરી મુજબ આ સમયગાળામાં ભેંસોની સંખ્યામાં 1.52 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં વર્ષ 2012માં 10,385, 574 હતી, જે વર્ષ 2019માં વધીને 10,543,250 થઈ ગઈ, જે દર્શાવે છે કે રાજ્યમાં પશુપાલકો દ્વારા દૂધનું વધારે ઉત્પાદન મળી શકે.
આ અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું હતું કે, મારે આ ડેટાને ફરીથી રિવ્યૂ કરવો પડશે. હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં સો ટકા ગાયોની સંખ્યા વધી છે. બની શકે કેટલીક ગૌ શાળાઓની ગાયો આ ગણતરીમાં બાકી રહી ગઈ હોય. સમગ્ર દેશમાં ગાયની વસતિના આંકડા પ્રમાણે, 2012માં ગાયોની વસતિ 19.09 કરોડ ગૌધન હતું, જે 2019માં વધીને 19.24 કરોડ થયું છે. ગાયના પોપ્યુલેશન મામલે પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર ટોપ ફાઈવ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ઉપરાંત રાજસ્થાન, ઝારખંડ, આસામ, છત્તીસગઢ અને ઓડિશામાં પણ ગાયોની વસતિ વધી છે. બીજી તરફ, દેશમાં ભેંસની વસતિ 2012માં 10.87 કરોડ હતી, જે 2019માં વધીને 10.98 કરોડ થઇ છે.