ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હજુ આજે પણ સૌરાષ્ટ્ર સહીત મોટા ભાગના વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવતીકાલથી કોલ્ડવેવનું પ્રમાણ ઘટતા તાપમાનમાં વધારો થશે અને ઠંડીનું જોર ઘટશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી ઊંચકાશે, તેમજ પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 29 જાન્યુઆરી બાદ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાંથી લોકોને રાહત મળશે. તો વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે 29-31 જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. અને પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
ગુજરાતમાં ઘણા સમય બાદ સતત બે મહિના ઠંડી પડી છે. આ પહેલાં 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી. હવે 8 વર્ષ પછી એવું બન્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડાગાર રહ્યા છે.