ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠુ અને પહાડી પ્રદેશોમાં થયેલી હિમ વર્ષાની અસર ગુજરાતને અડીને આવેલા અને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વર્તાઈ છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે ગરમ થતા હિલ સ્ટેશન ઉપર પ્રથમવાર તાપમાન માઈનસ નોંધાતાં સહેલાણીઓ નજારો માણવા ઉમટી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે પલટાયેલા વાતાવરણ બાદ માવઠું થયું હતું. જેથી છેલ્લા ચાર દિવસથી ઠંડીને ચમકારો વર્તાઈ રહ્યો છે. સાથે સાથે પહાડી પ્રદેશોમાં હિમ વર્ષા થતાં ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. થોડાક દિવસો ગરમી અનુભવાયા બાદ ફરી વાતાવરણ ઠંડુગાર બની જતાં લોકોએ તિજોરી કે કબાટમાં મૂકી દીધેલાં વસ્ત્રો ફરી બહાર કાઢવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદની અસર રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે.