જામનગર તાલુકાના ધુતારપર વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતા આદિવાસી શ્રમિક યુવાનને ભાગમાં રાખેલી વાડીમાં ગમતું ન હોવાથી કંટાળીને કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેના વિસ્તારમાં કોન્ટ્રાકટર પ્રૌઢને બીમારી સબબ તબિયત લથડતા મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુતારપર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાનદપુર તાલુકાના વતની નાદમ નવલસીંગ બામણિયા (ઉ.વ.30) નામના યુવાને વાડી ભાગમાં રાખી હતી. પરંતુ તેને અહીં ગમતું ન હતું અને વતનમાં પરત જવું હતું. જેથી જીંદગીથી કંટાળીને રવિવારે વહેલીસવારના સમયે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ મૃતકની પત્ની છીગલીબેન બામણિયા દ્વારા કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલી હરિઓમ સોસાયટી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર અમરશીભાઈ દેસાભાઈ પરમાર (ઉ.વ.57) નામના પ્રૌઢને બ્લડપ્રેશરની બીમારી હોવાથી સોમવારે સવારના સમયે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની લાલજીભાઈ પરમાર દ્વારા જાણ કરાતા હેકો એમ.આર.ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.