જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ બેખોફ વધી રહ્યો છે. ત્યારે ધ્રોલના પ્રૌઢ વેપારીના પુત્રએ 30 ટકા જંગી વ્યાજે લીધેલા 4 લાખની રકમ પેટે 7 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં વધુ રકમ પડાવવા માટે બે વ્યાજખોરો દ્વારા પ્રૌઢનો કાઠલો પકડી પિતા-પુત્રને પતાવી દેવા અને અપહરણ કરી જવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વ્યાજખોરોનું દુષણ ડામવા માટે હાથ ધરાયેલી ઝુંબેશમાં અનેક વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી કરાયેલી કડક કાર્યવાહી બાદ પણ આ દુષણ ડામવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે અને રાજ્યમાં વ્યાજખોરો બેખોફ રહ્યા હતાં, રહે છે, અને ભવિષ્યમાં પણ બેખોફ જ રહેશે. વધુ એક વ્યાજખોરોના ત્રાસની વિગત મુજબ, ધ્રોલ ગામમાં રઝવી સોસાયટીમાં રહેતાં વેપારી યુસુફભાઈ સતારભાઈ આકબાણી નામના પ્રૌઢ મેમણના પુત્ર શાહનવાઝે ધ્રોલના તોફિસ જુસબ દલને ફૈજાન ઈદરીશ નામના બે વ્યાજખોરો પાસેથી રૂા.4 લાખ જંગી 30 ટકા વ્યાજે લીધા હતાં. આ રકમ પેટે શાહનવાજે વ્યાજ સહિત સાત લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં બંને વ્યાજખોરો દ્વારા વધુ રૂપિયા પડાવવા માટે વેપારીના ઘર પાસે જઇ પ્રૌઢનો કાઠલો પકડી પ્રૌઢ તથા તેના પુત્રને પતાવી દેવાની ધમકી આપી હતી.
તેમજ બંને વ્યાજખોરોએ શાહનવાઝના ટાટીયા ભાંગી નાખીશું તેવી ધમકી આપી ભય બતાવી રીક્ષા લઇ જશું તેવી ધમકી પણ આપી હતી. ઉપરાંત 20 દિવસ પૂર્વે પ્રૌઢના પુત્ર પાસેથી વ્યાજની રકમ પડાવવા માટે બળજબરીપૂર્વક એકટીવા પડાવી લીધું હતું અને વેંચી નાખવાની ધમકી આપી હતી. તથા અવાર-નવાર મોબાઇલ ફોન દ્વારા અને રૂબરૂમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોરોથી ત્રાસી ગયેલા પ્રૌઢે આખરે પોલીસના શરણે ગયા હતાં અને બંને વ્યાજખોરો વિરૂધ્ધ પીએસઆઇ પી.જી. પનારા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.