ધ્રોલ ગામમાં ત્રિકોણ બાગ પાસે મજૂરી કામ કરતા યુવાન ઉપર મોબાઇલની દુકાને આવતા ગ્રાહકોને બીજી દુકાનમાં લઇ જવાનો ખાર રાખી લાકડાના ધોકા અને ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં કમલા નહેરૂ પાર્કની સામેના વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો દિપક જસાભાઈ વરૂ નામના યુવાનને ગત તા.21 ના રોજ બપોરના સમયે ત્રિકોણ બાગ પાસે ફોન કરીને બોલાવી જાહીદ ઉર્ફે ભુરો ફીરોજ સુધાધુણિયા, તોફિક સુમરા, અરબાઝ અબ્દુલ સુધાધુણિયા, આફતાબ ઉર્ફે અપુડો આમદ સુધાધુણિયા નામના ચાર શખ્સોએ દિપકને ‘તું પેલા અમારી દુકાન કામ કરતો હતો હવે નથી કરતો તો પછી અમારી દુકાને આવતા મોબાઇલના તથા અન્ય ઇલેકટ્રોનિકસના ગ્રાહકોને બીજાની દુકાને શું કામ લઇ જાશ ?’ તેમ કહી ધંધાનો ખાર રાખી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ બે થી ત્રણ ફડાકા મારી ગર્દન પકડી દુકાનમાં લઇ જઇ અપશબ્દો બોલી આડેધડ ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં દિપકભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.પી. વઘોરા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુન નોંધી તપાસ આરંભી હતી.