Sunday, December 22, 2024
Homeરાજ્યધ્રોલમાં ટેન્કરે ઠોકર મારતા ટ્રેક્ટર 100 ફૂટ ફંગોળાયું

ધ્રોલમાં ટેન્કરે ઠોકર મારતા ટ્રેક્ટર 100 ફૂટ ફંગોળાયું

ખેડૂત અને શ્રમિક યુવાનના ઘટનાસ્થળે મોત : દેડકદડથી ચણા લઇ ધ્રોલ યાર્ડમાં વેંચવા જતાં સમયે કાળ ભરખી ગયો : અકસ્માત બાદ રોડ પર ચણા વેરવિખેર થઇ ગયા

- Advertisement -

ધ્રોલમાં રાજકોટ ધોરીમાર્ગ પર ત્રિકોણ બાગ પાસેથી પસાર થતા ટ્રેક્ટરને પાછળથી પૂરઝડપે આવતા ટેન્કરે ઠોકર મારી હડફેટે લેતા ટ્રેક્ટર 100 ફૂટ સુધી ઢસડાયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેસેલા બે વ્યકિતઓને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજયાં હતાં. અકસ્માતના બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટરમાં ભરેલા ચણા માર્ગ પર વેરવખેર થઇ ગયા હતાં અને આ ઘટનામાં બે વ્યકિતના મોત નિપજતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે અકસ્માત નિપજાવનાર ટેન્કર ચાલકની ધરપકડ કરવા માટે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા ભૂપતભાઇ લાધાભાઈ પાદરિયા નામના ખેડૂત અને તેના ખેતરનો શ્રમિક મગન જેતુભાઈ બધેલ નામના બન્ને યુવાનો શનિવારે વહેલીસવારના 5:30 વાગ્યાના અરસામાં ચણા ભરી દેડકદડથી ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં વેંચાણ કરવા માટે જીઆરઆઈ 9606 નંબરના ટ્રેક્ટરરમાં જતાં હતાં તે દરમિયાન વહેલીસવારના ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર ત્રિકોણ બાગ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા યુપી-21-સીએન-1265 નંબરના ટેન્કરચાલકે આગળ જતા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ઠોકર મારતા ટ્રેક્ટર 100 ફૂટ સુધી દૂર જતુ રહ્યું હતું અને આ ગમખ્વાર અકસ્માતમાં ભૂપતભાઈ પાદરિયા અને આદિવાસી શ્રમિક મગનભાઈ બધેલ નામના બન્ને યુવાનો ટ્રેક્ટરમાંથી પટકાતા માથામાં અને શરીરમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.
આ અકસ્માતની જાણ થતા પીએસઆઇ એમ.એન. જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે પોલીસે મૃતકના ભાઈ વિમલ પાદરિયાનું નિવેદન નોંધી ટેન્કરચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
ઉલેખનીય બાબત એ છે કે ધ્રોલ ગામના રાજકોટ ધોરી માર્ગ પર ત્રિકોણ બાગ પાસે છેલ્લાં એક મહિનામાં અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે અને આ રોડ પર અકસ્માતમાં મૃત્યુની ઘટનાઓ બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular