સેન્ચુરિયનમાં ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ હતો. જેના જવાબમાં ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ જતા ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે. આ જીતની સાથે વિરાટ સેનાએ 3 મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
પહેલાં ટેસ્ટની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 327 રન બનાવ્યા હતા જેના જવાબમાં મેજબાન આફ્રિકાની ટીમ માત્ર 197 રન જ બનાવી શકી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 174 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આ રીતે આફ્રિકાને જીત માટે 305 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ચોથા દિવસની રમતના અંત સુધીમાં તેણે 94 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આજે છેલ્લા દિવસે ભારતે વધુ 6 વિકેટ ઝડપી 113 રને આફ્રિકાને હરાવ્યું હતું. આ સાથે વિરાટ કોહલી સેન્ચુરિયન ટેસ્ટ મેચ જીતનારો પહેલા એશિયન કેપ્ટન બની ગયો છે
ચોથી ઈનિંગમાં દ.આફ્રિકાની ટીમ તરફથી ડીન એલ્ગર 77 રન નોંધાવી ટોપ સ્કોરર રહ્યો હતો. તેના સિવાય કોઈપણ ખેલાડી ખાસ પ્રદર્શન દાખવી શક્યો નહોતો. ઈન્ડિયન બોલર શમી અને બુમરાહે 3-3 વિકેટ લઈ આફ્રિકન બેટરની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી.