જામનગર તાલુકાના અલિયા ગામમાં બાપા સિતારામ ચોકમાં ધૂળેટીના દિવસે કલર ઉડાડી અપશબ્દો બોલવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સોએ કડુ પહેરેલા હાથ વડે ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં વિકટોરિયા પુલ પાસેના ગોમતીપુરમાં બે યુવાન ઉપર મહિલા સહિત ચાર શખ્સોએ ઈંટોના ઘા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામમાં બાપા સિતારામ ચોકમાં ધૂળેટીના દિવસે કલર ઉડાડી મોટેથી અપશબ્દો બોલતા શખ્સોને ત્યાંથી પસાર થતા દેવાયત મકવાણા નામના યુવાને અપશબ્દો બોલવાની ના પાડતા કિશન ભીખુ મકવાણા અને અજય રામા મકવાણા નામના બે શખ્સોએ ઉશ્કેરાઈને દેવાયતનો કાઠલો પકડી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ કડુ પહેરેલા હાથ વડે માથાના ભાગે માર મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની દેવાયત દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના વિકટોરિયા પુલ પાસે આવેલા ગોમતીપુરમાં કિરણગીરી જેન્તીગીરી ગોસ્વામી નામનો યુવાન પૈસા લેવા ગયો હતો ત્યારે જય ભટ્ટી નામના શખ્સે કિરણગીરીને ‘તું અહીં શું કામ ઉભો છે ? તારે આવવું નહીં’ જેથી યુવાને ‘મારે ભાવેશ નાનાણી પાસેથી પૈસા લેવાના છે એટલે આવ્યો છું.’ તેમ કહેતા જયેશ દિનેશ ભટ્ટી, હીનાબેન હરીશ નાનાણી, સરલાબેન દિનેશ ભટ્ટી અને મિલન હરીશ નાનાણી નામના ચાર શખ્સોએ એકસંપ કરી કિરણગીરી અને જેન્તીગીરી નામના બે યુવાનો ઉપર ઢીકાપાટુનો માર મારી ઈંટોના ટુકડાના છૂટા ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવ અંગે કાજલબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે બે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.