પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન ઇમરાનખાનની ખુરશી જવાનું લગભગ નકકી મનાય છે. રાજકીય અટકળો વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝે નવા પીએમ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. નવાઝ શરીફની પુત્રી અને પીએમએલ-એન ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે જણાવ્યું કે પાર્ટીએ શહેબાઝ શરીફને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મરિયમે કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓ બેસીને નિર્ણય કરશે કે કોને પીએમ પદ માટે નવો ઉમેદવાર બનાવવા જોઈએ પરંતુ પાર્ટી શાહબાઝ શરીફને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. મરિયમ નવાઝે વધુમાં કહ્યું કે ઈમરાન અવિશ્ર્વાસ પ્રસ્તાવના ડરથી નેશનલ એસેમ્બલીના સત્રમાં વિલંબ કરવા ઈચ્છે છે. આ બંધારણની સ્પષ્ટપણે અવેહલના અને કલમ 6નું ઉલ્લંઘન હતું. તેમણે કહ્યું કે જ્યારે આ બન્યું ત્યારે અમે કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ઈમરાનખાનને ચેતવણી આપતા કહ્યું કે હવે તેમની રમત પૂરી થઈ ગઈ છે. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ તૂટી ગઈ છે. ઈમરાન જાણે છે કે તેમના બચાવમાં કોઈ આગળ નહીં આવે. પીએમએલ-એનના ઉપાધ્યક્ષે કહ્યું કે ઈમરાન એ બતાવવાની કોશિશ કરે છે કે અવિશ્વાસ પ્રસ્તાવ તેમની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે. ઈમરાન ખુદ પોતાના કાવતરામાં ફસાઈ ગયા છે. જો તેમણે પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી હોત તો 10 લાખ લોકો તેમની સામે ઉભા ના થયા હોત. મરિયમે ઈમરાનના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો.તેમણે બટાકા અને ટામેટાંના ભાવ જાણવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો નથી. મરિયમે કહ્યું કે જો ઈમરાન ઘઉં, ઘી, ખાંડ અને પેટ્રોલની કિંમતો પર નજર રાખી હોત તો તેમને આ દિવસ જોવો ના પડત. મરિયમે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર સરકારી સંસ્થાઓમાં દખલ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
ઇમરાનખાનનો ખેલ ખતમ
પાકિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલ: વિપક્ષના અવિશ્ર્વાસ પ્રસ્તાવથી ઇમરાન સરકારની વિદાય નિશ્ચિત