કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં સજ્જડ ઘટાડો કરવાની જાહેરાત કરવી જોઈએ, આયાતકરની સમીક્ષા કરવી જોઈએ અને ગ્રાહકોપયોગી વસ્તુઓના જીએસટીના દરમાં ઘટાડો કરવો જોઈએ જેથી મોંઘવારીના બોજ તળે દબાયેલા લોકોને રાહત મળી શકે. તેમણે જણાવ્યું હતું કે આ મોંઘવારી સરકારની ખોટી નીતિઓ અને અયોગ્ય વ્યવસ્થાપનને કારણે છે. ચિદમ્બરમે દિલ્હીમાં એઆઈસીસીના વડા મથકે જણાવ્યું હતું કે એનડીએ સરકાર ભાવવધારા અંગે ચિંતા વ્યક્ત કરવાનો ફક્ત દેખાડો કરી રહી છે. ભાવવધારા અંગે સરકારની લાપરવાહીની ટીકા કરતાં પૂર્વ નાણાપ્રધાને જણાવ્યું હતું કે સંસદના ચોમાસું સત્રમાં વિરોધ પક્ષો દ્વારા મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવશે અને પૂર્ણ ચર્ચા તથા ભાવવધારા સામે લોકોને પૂરતી રાહત આપવાની માગણી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ફ્લેશન છ ટકાની ઉપરની સીમાને તોડીને 6.26 ટકા સુધી પહોંચ્યું છે અને કોર ઈન્ફ્લેશન એક મહિનામાં 5.5 ટકાથી 5.8 ટકાએ પહોચ્યું છે. તેમણે કહ્યું હતું કે સરકાર લોકોને જણાવશે કે તેમણે શું ખાવું જોઈએ, ઘરમાં લાઈટ કેવી રીતે કરવી અને કામ પર કેવી રીતે જવું? તેમણે કહ્યું હતું કે સામાન્ય સમયમાં પણ મોંઘવારી અસહ્ય હોય છે જ્યારે વર્તમાનમાં તો કોરોના સંકટને કારણે લોકોએ રોજગાર અને આવક ગુમાવ્યા છે ત્યારે એ વધુ અસર કરી રહી છે.’
દેશનાં અર્થતંત્રનું સંચાલન અયોગ્ય, તેથી મોંઘવારી વધી: પૂર્વ નાણાંમંત્રી
કોરોના-લોકડાઉનમાં પરેશાન પ્રજા આ મોંઘવારી સહન કરી શકવાની સ્થિતિમાં નથી