આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટી અને ટાસ્ક ફોર્સની સંયુક્ત બેઠક મળી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગામડાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ વધારવાના મુદ્દે વિશેષ ચર્ચાઓ થઈ હતી. સાથે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરમાં આગોતરા પગલા પર પણ ચર્ચા થઈ હતી. ડો.અતુલ પટેલે જણાવ્યું કે, બીજી લહેર 29 એપ્રિલથી સ્થિર થયા બાદ કેસ ઘટી રહ્યા છે. નવા કેસની સામે ડિસ્ચાર્જ વધુ છે. ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવા માટે બે ત્રણ દિવસમાં ડિટેઈલ પ્લાન બનાવવામાં આવશે.
તબીબોએ કહ્યું કે, દર્દીઓ લક્ષણોના આધારે RT-PCR ટેસ્ટ કરાવે છે. પરંતુ પોઝિટીવ દર્દીને જો કોઈ ખાસ લક્ષણ જોવા મળતા નથી. તો હોસ્પિટલમાં દાખલ થવા જેવી સારવાર તરફ ભાગવું જોઈએ નહીં. કોવિડ પોઝિટીવ દર્દીમાંથી માત્ર 20 ટકા દર્દીને હોસ્પિટલમાં સારવારની જરૂર પડે છે. 80 ટકા દર્દીઓ સામાન્ય સારવારથી સ્વસ્થ થઇ જાય છે.
અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, ગામડાઓમાં બેડ વધારવા, વેક્સિનેશન, સારવારની સુવિધાઓ વધારવાની કામગીરી કરવામાં આવશે. સાથે આજની બેઠકમાં ચર્ચા કરાયેલા મુદ્દા પર 3 દિવસમાં વિસ્તૃત કામગીરી પર ધ્યાન અપાશે. સાથે જયંતિ રવિએ કહ્યું કે, મારું ગામ કોરોના મુક્ત અભિયાન દ્વારા ગામડાઓમાં કોરોનાના સંક્રમણ ઘટાડવા માટે કાર્યરત છે.
પોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ દ્રારા જણાવવામાં આવ્યુ હતું કે કોવિડ સમય અને દર્દી પ્રમાણે અલગ અલગ સારવાર હોય છે. તમારે પહેલા તકલીફ વિના સિટી સ્કેન કરાવવાની જરૂર નથી. 7 દિવસ પછી જરૂર પડે તો સિટી સ્કેન કે બ્લડ રિપોર્ટ કરાવવો. દર્દીઓએ જાતે સ્ટીરોઈડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
આ સિવાય પણ કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું હતું કે 20 ટકા દર્દીઓને માત્ર ઓક્સિજન સપોર્ટની જરૂર છે. રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી. તેનાથી કોઈનો જીવ બચ્યો નથી. સ્ટીરોઈડનો ઉપયોગ ટાળવો જોઈએ. કોરોના પછી વધી રહેલ મ્યુકર માયકોસિસ અંગે તબીબોએ જણાવ્યું છે કે ડાયાબિટિસ હોય અને કોરોના થતા સ્ટીરોઈડ આપી હોય તો મ્યુકર માયકોસિસ થઈ શકે છે. જો એનું વહેલું નિદાન કરવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે.