આવતીકાલથી એટલે કે 3 મે થી શરુ થઇ રહેલી ચારધામની યાત્રાને લઇને ઉત્તરાખંડ સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોવિડને ધ્યાનમાં રાખીને વેક્સીનેશન સર્ટીફીકેટ અને આરટીપીસીઆર નેગેટીવ રીપોર્ટ સાથે રાખવો ફરજીયાત છે. આ સિવાય દૈનિક દર્શન કરવા જઇ રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ મર્યાદિત કરી દેવામાં આવી છે.
તીર્થયાત્રીઓની સંખ્યા માટેની દૈનિક મર્યાદા બદ્રીનાથ માટે 15,000, કેદારનાથ માટે 12,000, ગંગોત્રી માટે 7,000 અને યમુનોત્રી માટે 4,000 છે. આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે આદેશ જારી કરતી વખતે અહીંની હોટલોની ક્ષમતા અને ચાર ધામ યાત્રાના રૂટ પર પાર્કિંગની સુવિધાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.
ચારધામ યાત્રાના રૂટ પર વાહનોની અવરજવર પણ રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ યાત્રા 3 મેના રોજ ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથ 6 મે અને બદ્રીનાથ 8 મેના રોજ ખુલશે. અત્યાર સુધીમાં 59,395 યાત્રાળુઓએ યમુનોત્રી, 61,403 ગંગોત્રી, 1,28,696 કેદારનાથ, 1,03,692 બદ્રીનાથ અને 2962 લોકોએ હેમકુંડ ધામ માટે નોંધણી કરાવી છે.