ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વૃદ્ધોને લગતી તમામ યોજનાઓની માહિતી તથા તેમને લગતા તમામ પ્રશ્ર્નોના મુંઝવણ ના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સરકારે 14567 હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો છે.
આ હેલ્પલાઈન રાજ્યના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા મદદરૂપ થશે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે સરકાર વરિષ્ઠ નાગરિકોની સાથે છે. આ હેલ્પલાઈન નંબર દ્વારા સરકારી યોજના, પ્રશ્નો, વૃદ્ધાશ્રમની માહિતી આપવામાં આવશે. રાજ્યના વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે Help Age Indiaના સહયોગથી રાજ્યમાં હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને Help Age Indiaના સહયોગથી આ હેલ્પલાઈન સર્વિસને મંજુરી આપવામાં આવી હતી. આજથી રાજ્યમાં વૃદ્ધો માટે આ સેવા કાર્યરત કરવામાં આવી છે.
વૃદ્ધોને આ સેવાઓ અંગે માહિતી મળશે
વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ, ડે કેર સેન્ટર, માહિતી આપવી, વરિષ્ઠ નાગરિકને કાનૂની સલાહ-વ્યક્તિગત અને પારિવારિક બંને સ્તરે, સરકારની વૃદ્ધ પેન્શન માર્ગદર્શન, વરિષ્ઠ નાગરિકોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપવું, વિવાદ નિરાકરણ માર્ગદર્શન-મિલકત, પડોશીઓ, પીડિત, ગુમ થયેલ અને ત્યજી દેવાયેલા વૃદ્ધોની સંભાળ અને સહાય, વરિષ્ઠ નાગરિકોને વૃધ્ધાશ્રમ અંગે માહિતી મળશે.