રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત ક્ષેત્રે મહત્વની જાહેરાત કરી છે. આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે તથા રાજ્યમાં વિશ્ર્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યા છે.
ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટરના માધ્યમથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે તેની જાહેરાત કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવા જઈ રહ્યો છે તથા અમદાવાદ સહિતના 6 શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ ઈન્ડિયન ઓલમ્પિક અસોસિએશનનો આભાર માન્યો હતો.
આ રમતોત્સવમાં દેશભરના 25,000થી પણ વધારે રમતવીરો સહભાગી બનશે. ઓલમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારે આ મોટું આયોજન હાથ ધર્યું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નું ઓપનિંગ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સ માટેની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી. ગુજરાત ઓલમ્પિક સંઘ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લે વર્ષ 2015માં કેરળ ખાતે નેશનલ ગમ્સ યોજાઈ હતી. ત્યાર બાદ 2016ના વર્ષમાં ગોવા ખાતે રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવાનું હતું પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાના કારણે તેને 2 વખત ટાળવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2020માં તેનું આયોજન થવાનું હતું પરંતુ કોરોના મહામારીએ તેમાં વિઘ્ન નાખ્યું હતું.