લોકસભા 2024ની ચૂંટણી જાહેર થતાં જામનગરમાં આચારસંહિતાની અમલવારી માટે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરભરમાં રાજકીય બેનરો, હોર્ડિંગ્ઝ અને કિઓસ્ક બોર્ડઝ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ જામ્યુકોના પદાધિકારીઓની સરકારી ગાડીઓ પણ જામ્યુકો ખાતે જમા કરી દેવામાં આવી હતી.
ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી જાહેર થતાં જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઇ ચૂકી છે. જેને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જાહેર માર્ગો પર લગાવવામાં આવેલા રાજકીય પ્રતિકો ધરાવતા અને આચારસંહિતાના દાયરામાં આવતાં પાટીયા, બેનર્સ, હોર્ડિંગ્ઝ બોર્ડ તેમજ કોર્પોરશનના થાંભલાઓમાં લગાડવામાં આવેલા કિઓસ્ક બોર્ડ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના લાલબંગલા સર્કલ, અંબર ચોકડી, ડીકેવી સર્કલ, પી.એન. માર્ગ, સાત રસ્તા, ઇન્દિરા માર્ગ, પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં જામ્યુકોની 30થી વધુ કર્મચારીઓની 3 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત આદર્શ આચારસંહિતા લાગુ થઇ ચૂકી હોય જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓના સરકારી વાહનો પણ જામ્યુકો કચેરી ખાતે જમા કરી દેવામાં આવ્યા હતાં. આમ તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાની અમલવારી માટે તમામ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી હતી.