ઘાસચારા બિયારણ કિટ સંદર્ભે વિધાનસભામાં પ્રત્યુત્તર આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ડેરી ઉદ્યોગનો દિન પ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે. ત્યારે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોને તેના પશુ માટે પૌષ્ટિક ઘાસ મળી રહે અને દૂધ ઉત્પાદન વધે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ઘાસચારા વિકાસ માટેની સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય બીજ નિગમ મારફત ઘાસ બિયારણની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં પશુધન ધરાવતા હોય તેવા પશુપાલકોને રૂપિયા બે હજારની મર્યાદામાં સહાય ચૂકવવાના ધોરણો છે. આ યોજના હેઠળ મકાઈ, જુવાર, બાજરી અને રજકો જેવા ઘાસચારાના પાકોને આવરી લેવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લામાં ઘાસચારા વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ કિટના વિતરણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કેવડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 4421 બિયારણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે અને તે પાછળ કુલ રૂ.37,05,790 ખર્ચ કરવામાં આવ્યો છે.