જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી હાજી તારમામદ કો.ઓ. હાઉસીંગ સોસાયટીના પ્લોટ નં.46 માં ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ફરિયાદના આધારે જામ્યુકોની ટાઉન પ્લાનિંગ શાખાએ તારમામદ સોસાયટીમાં નોટીસ પાઠવી કરવામાં આવેલા બાંધકામના આધાર પૂરાવા માંગ્યા છે. આ આધાર પૂરાવા સાત દિવસમાં રજૂ કરવા કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે. તારમામદ સોસાયટીમાં બનાવવામાં આવેલી આ દુકાનો રહેણાંક હેતુના પ્લોટમાં બનાવી હેતુફેર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના ધ્યાનમાં આવતા તેમણે આ અંગે કાર્યવાહી કરવા જામ્યુકોને જણાવ્યું હતું. જેના આધારે જામ્યુકો દ્વારા આ નોટીસ પાઠવવામાં આવી છે. સોસાયટી તરફથી રજૂ કરવામાં આવનારા આધાર પૂરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો બાંધકામ ગેરકાયદે અથવા નિયમ વિરૂધ્ધ જણાશે તો તોડી પાડવામાં આવશે.