ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ડીઝલની ચોરી કરી અને સંગ્રહ કરવા તેમજ વેચાણ કરવા સબબ ખાનગી કંપનીના ડીઝલ સપ્લાયર તેમજ ટ્રક ચાલકો મળી છ શખ્સો સામે ગુનો નોંધાયો છે. જેમાં પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી, 1700 લીટર ડીઝલ તેમજ ચાર ટેન્કર ટ્રક કબજે કર્યા છે. જેમાં ખંભાળિયા નજીકના માર્ગ પર એક ખાનગી કંપનીના ડીઝલના સપ્લાયમાં ટ્રક ચાલક તેમજ ટ્રક માલિક દ્વારા મિલીભગત આચરીને ડીઝલના જથ્થામાંથી ચોરી કરીને વેચાણ કરવા બાબતે વિશ્વાસઘાત સહિતની જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે એસ.ઓ.જી. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જામનગર ખાતે રહેતા ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા નામના એક શખ્સ દ્વારા આઈ.ઓ.સી. કંપની સાથે ડીઝલ સપ્લાય કરવા માટેનો કરાર કરી અને તેને આપવામાં આવતા સપ્લાયના ડીઝલનો જથ્થો ખરીદ કરનાર પેટ્રોલ પંપને પૂરતો પહોંચાડવામાં આવતો ન હતો.
આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા દેશમાં પેટ્રોલ, ડીઝલની માંગમાં થયેલા વધારા વચ્ચે કોઈ શખ્સો આ પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને આવું કૃત્ય ન કરે તે હેતુથી એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. ડી.એ. વાળા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ અને પબુભાઈ માયાણીને મળેલી બાતમીના આધારે ખંભાળિયા જામનગર – માર્ગ પર દાતા ગામની ગોલાઈ પાસે પંચરની દુકાનની બાજુમાં દાતા ગામનો દિગુભા જાડેજા નામનો શખ્સ પોતાના કબજામાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખીને હાઈવે રોડ ઉપરથી પસાર થતા વાહનોને ઓછા ભાવે આ ડીઝલનું વેચાણ કરતો હતો. જે અંગેની કાર્યવાહીમાં પોલીસે દાતા ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા નામના શખ્સની ડીઝલ ભરેલા કેરબા સાથે અટકાયત કરી હતી.
પોલીસની પૂછતાછમાં આરોપી ડીઝલના ટેન્કર ટ્રકમાંથી જે તે ડીઝલની ખરીદી કરનાર કંપનીઓને તેમજ પેટ્રોલ પંપની સાથે વિશ્વાસઘાત કરીને પૂરતો જથ્થો નહીં પહોંચાડી, તેમાંથી ડીઝલની ચોરી કરતો હતો. જેમાં ઋષિરાજસિંહના જુદા જુદા ચાર ટેન્કરોના ચાલક એવા દખણાદા બારા ગામના હરદેવસિંહ વિક્રમસિંહ જીજીભા ચુડાસમા, દાતા ગામના વિજયસિંહ જસુભા ચુડાસમા, દખણાદા બારા ગામના રાજદીપસિંહ ભીખુભા ચુડાસમા અને દાતા ગામના ધર્મરાજસિંહ જીતુભા મનુભા જાડેજાને ટેન્કરોમાં ડીઝલ ભરી આપતા પોલીસે બેરલ અને કેરબામાં ભરેલા 1700 લિટર ડીઝલનો જથ્થો કબજે કર્યો હતો.
આમ, આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાએ કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરમિટ વગર પોતાના કબજામાં રાખેલો રૂપિયા 1 લાખ 53 હજારની કિંમતનો 1700 લીટર ડીઝલ તેમજ અન્ય ચાર આરોપીએ ગેરકાયદેસર રીતે ચોરીનું ડીઝલ મેળવતા પોલીસી 80 લાખ રૂપિયાના આ ચાર ટેન્ક કરો કબજે લઈ અને ટેન્કર ટ્રકના માલિક ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા (રહે. જામનગર) દ્વારા ગેરકાયદેસર રીતે ડીઝલ મેળવી અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ એસ.ઓ.જી. વિભાગના હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આ તમામ છ શખ્સો સામે બીએનએસ અને આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી, મુદ્દામાલ સાથે પાંચેય શખ્સોનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં પોલીસે આવશ્યક ચીજ વસ્તુ ધારા તેમજ બી.એન.એસ.ની કલમ 303 (2) વિગેરે મુજબ ગુનો નોંધી, આરોપી ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા (રહે. જામનગર) ને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં આગળની તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, હરદેવસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, પબુભાઈ માયાણી, કિશોરભાઈ ડાંગર, સુમાતભાઈ ચાવડા અને દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.


