ચીનમાં કોરોના વાયરસનો ફેલાવો શરૂ થતાં જ ભારતમાં લોકોના મનમાં લોકડાઉનની આશંકા છે. ઘણા રાજયોએ તેમના નાગરિકોને માસ્ક પહેરવાની તેમજ સામાજિક મેળાવડાને ટાળવાની સલાહ આપી છે. આ બધાની વચ્ચે IIT કાનપુરે એક અભ્યાસમાં કહ્યું છે કે ભારતની લગભગ 98 ટકા વસ્તીએ કોવિડ-19 સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. એટલા માટે ગભરાવાની જરૂર નથી. IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કહ્યુંકે, સંભવ છે કે કેટલાક લોકોની પ્રતિરક્ષા નબળી હોવાને કારણે કોરોનાની નવી અને નાની લહેર જોવા મળી શકે છે. આ સિવાય કોઈ સમસ્યા રહેશે નહીં. કોરોના પર આધારિત તેમના ગાણિતિક મોડલના આધારે પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે ભારતની તુલનામાં ચીનમાં ઓક્ટોબર સુધી માત્ર પાંચ ટકા વસ્તીમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ હતી.’ તેમણે આગળ કહ્યું, ‘નવેમ્બરમાં ચીનમાં 20 ટકા વસ્તીમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ હતી. નવેમ્બરથી જ કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા. ચીનની સરકાર 500 માંથી માત્ર 1 કેસની જાણ કરી રહી છે. આ કારણે ચીનમાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી છે. ‘વિશ્વના જે દેશોએ કુદરતી રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરી છે તેઓને કોઈ જોખમ નથી. બ્રાઝિલમાં ઓમિક્રોનના નવા અને વધુ ઘાતક મ્યુટન્ટને કારણે કેસ વધી રહ્યા છે. દક્ષિણ કોરિયામાં 25 ટકા, જાપાનમાં 40 ટકા અને યુનાઇટેડ સ્ટેટ્સની 20 ટકા વસ્તી કુદરતી રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી.