કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલો, ઇન્જેકશન, દવાઓની અછતના કારણે સરકારની છબિ ખરડાઇ હતી. જેને સુધારવા માટે અને વિકાસ કામો ફરી ધમધમતા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ મંત્રીઓને જિલ્લાઓનો પ્રવાસ કરવા માટેની સૂચના કેબિનેટ બેઠકમાં આપી છે.
દરેક મંત્રીઓ બે જિલ્લાનો પ્રવાસ કરશે જયાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠકો યોજશે અને પોતાના વિભાગના પ્રશ્ર્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપશે. કોરોનાને કારણે અટકી પહેલા સ્થાનિક વિકાસ કામો ફરી શરૂ કરવા માટે પણ પ્રયાસ કરશે. નાના લોકાર્પણ, ખાત મુહૂર્તના કાર્યક્રમો યોજીને ફરી સરકાર લોકો વચ્ચે છે તેવો અહેસાસ કરાવાશે.
કોરોનાની બીજી લહેરમાં સરકારનીકામગીરી સામે જે રીતે આક્ષેપો થયા છે ત્યારે ત્રીજી લહેરની તૈયારીઓ અંગે પણ મંત્રીઓ સમીક્ષા કરશે. કલેકટર-ડીડીઓ અને અન્ય અધિકારીઓની સામુહિક ફેરબદલને કારણે જિલ્લાઓના વહીવટી તંત્રમાં વ્યાપક ફેરફાર થયા છે. ત્યારે આગામી ડિસેમ્બરમાં યોજાનાર 10 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મંત્રીઓને સતત ફિલ્ડમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હોય, ભાજપા આગેવાનોને દોડાવશે
તમામ મંત્રીઓને બબ્બે જિલ્લાનો પ્રવાસ કરવા સૂચના