રાજયમાં કોરોના સંક્રમણ પીક ઉપર છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે દર્દીઓને દાખલ કરવામાં હોસ્પિટલોની મનમાની અને અટપટા નિયમોને કારણે દર્દીઓને પારાવાર પરેશાની ઉઠાવવી પડતી હતી. આખરે સુપ્રિમ કોર્ટે આ મામલે નિર્દેશ આપતા ગુજરાત સરકારે કોવિડ હોસ્પિટલો માટે એડમિશન પોલીસી બનાવવી પડી છે. જે મુજબ કોરોના પોઝિટીવ હોવાનો ટેસ્ટ રીપોર્ટ ન હોય તેવા દર્દીઓઅને પણ હોસ્પિટલમાં દાખલ કરવાના રહેશે.
અગાઉ કોવિડ હોસ્પિટલોમાં એન્ટીજન, આરટીપીસીઆર કે એચઆસીટી રીપોર્ટના આધારે દર્દીને દાખલ કરવામાં આવતા હતાં પરંતુ સુપ્રિમના નિર્દેશ બાદ બનાવેલી એડમિશન પોલીસી પ્રમાણ હોસ્પિટલો પોઝીટીવ રીપોર્ટનો આગ્રહ રાખી શકશે નહીં. દર્દીમાં શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તો તેને દાખલ કરીને ટ્રીટમેન્ટ આપવાની રહેશે. માત્ર એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને એડમિટ કરવાનો નિયમ પણ કોઇ હોસ્પિટલ રાખી શકશે નહીં. એમ્બ્યુલન્સ કે પ્રાઇવેટ વાહનોમાં આવતા દર્દીઓને પણ દાખલ કરી શકશે.
એએમસી દ્વારા અમદાવાદના સરનામા સાથેનું આધાર કાર્ડ હોય તેવા પેશન્ટને જ એએમસીની હોસ્પિટલમાં દાખલ કરવાનો નિયમ બનાવ્યો હતો જો કે, તે પછી રદ કરવો પડયો હતો. સરકારે નવી એડમિશન પોલીસીમાં સ્પષ્ટ કર્યું છે કે દર્દીના રહેણાંકના ચોકકસ શહેર કે રાજયનું કારણ દર્શાવીને હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇન્કાર કરી શકાશે નહીં. ગમે તે શહેરના રહેવાસી દર્દીને દાખલ કરવા રહેશે. હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં દવાઓ અને ઓકિસજનનો પુરવઠો પણ જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે રાખવાનો રહેશે. સરકારની આ સૂચનાઓના ભંગ બદલ એપેડેમિક ડીસીઝ એકટ હેઠળ પગલાં લેવામાં આવશે.
દર્દી પોઝિટીવ ન હોય, કોઇ પણ વાહનમાં આવ્યા હોય, હોસ્પિટલે દર્દીને દાખલ કરવા ફરજીયાત
સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યા પછી સરકારે હોસ્પિટલ એડમિશન પોલીસી જાહેર કરી